વાઘોડિયાના ખંડીવાળા ગામ પાસે નર્મદા કેનાલમાં આજવા રોડ ખાતે રહેતા બે મિત્રો ડૂબી જતાં લાપતા

બંને મિત્રોની શોધખોળ શરૂ, 24 કલાક પછી પણ કોઈ પત્તો મળ્યો ન હતો

MailVadodara.com - Two-friends-living-at-Ajwa-Road-in-Narmada-Canal-near-Khandiwala-village-of-Waghodia-went-missing-after-drowning

- આજવા રોડના પાંચ મિત્રો પાવાગઢ માતાજીના દર્શન કરીને કારમાં પરત આવતા સમયે કાર હિટ થઈ જતા પાણી લેવા નર્મદા કેનાલમાં ગયા હતા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખંડીવાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વડોદરા આજવા રોડના રહેવાસી બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો દ્વારા ઘનિષ્ઠ શોધખોળ ચાલી રહી છે. નોંધનિય છે કે, લાપતા થયેલા આ બે યુવાનો સહિત પાંચ યુવાનો પાવાગઢ માતાજીના દર્શન કરીને કારમાં પરત ફરી રહ્યા હતા. તે સમયે કાર હિટ થઈ જતા બે યુવાનો કેનાલમાં પાણી લેવા માટે ઉતરતા ડૂબી જતાં લાપત્તા થયા છે.

મળેલી માહિતી પ્રમાણે શહેરના આજવા રોડ ઉપર આવેલ રામદેવ નગર 2માં રહેતા કિરણ છોટેલાલ મિસ્ત્રી (ઉ.વ. 32) તેનો ભાઈ રાહુલ છોટેલાલ મિસ્ત્રી (ઉં.વ. 26), આજવા રોડ વ્રજભૂમિ સોસાયટીનો રહેવાસી વીજેન્દ્ર કનુભાઈ પરમાર (ઉં.વ. 27), આજવા રોડ સમૃદ્ધિ પાર્ક સોસાયટીનો રહેવાસી રોશન સંજયભાઈ વસાવા (ઉ.વ. 32) અને રામદેવ નગર 2નો રહેવાસી સાગર પ્રવીણભાઈ પરમાર (ઉં.વ. 23) સોમવારે કાર લઈને પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.


આ પાંચે મિત્રો માતાજીના દર્શન કરીને સમી સાંજે પરત વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં તેઓની કાર હિટ પકડતા એન્જિનમાં પાણી નાખવા માટે ખંડીવાળા નર્મદા મુખ્ય કેનાલ પાસે રોકાયા હતા. જેમાં કિરણ મિસ્ત્રી અને વિજેન્દ્ર પરમાર પાણીની બોટલ લઈને નર્મદા કેનાલમાં પાણી લેવા માટે ગયા હતા. ધસમસતા નર્મદા કેનાલના પાણીમાં બંને મિત્રો પાણી લેવા ઉતારતાની સાથે જ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા. નર્મદાના વહેણમાં તણાવા લાગેલા મિત્રોએ બુમરાણ મચાવતા કાર પાસે ઉભેલા અન્ય ત્રણ મિત્રો કેનાલ પાસે બચાવવા માટે દોડી ગયા હતા. પરંતુ પાણીના પ્રવાહમાં તેઓ તણાવા લાગ્યા હતા અને દૂર નીકળી ગયા હતા. બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ જતા અન્ય ત્રણેય મિત્રો ગભરાઈ ગયા હતા.

સોમવારે સાંજે 7:45 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાની જાણ કેનાલ ઉપર ઉભેલા મિત્રોએ જરોદ પોલીસને કરતા જરોદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તે સાથે આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડ અને જરોદ એનડીઆરએફને કરવામાં આવતા લાશ્કરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને નર્મદા કેનાલમાં તણાઈ ગયેલા બંને મિત્રોની શોધખોળ શરૂ કરી હતી. જોકે આજે 24 કલાક પછી પણ બંનેનો કોઈ પત્તો મળ્યો ન હતો.

આજવા રોડ રામદેવ નગર 2માં રહેતા કિરણ મિસ્ત્રી અને આજવા રોડ વ્રજભૂમિ પાર્ક સોસાયટીમાં રહેતા વિજેન્દ્ર પરમાર ખંડીવાળા નર્મદા કેનાલમાં તણાઈ ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કાર પાસે ઉભેલા ત્રણ પૈકી રાહુલ છોટેલાલ મિસ્ત્રીનો મોટો ભાઈ કિરણ છોટેલાલ મિસ્ત્રી નર્મદા કેનાલના ડૂબી જતાં લાપતા થયો છે.

આ બનાવ અંગે જરોદ પોલીસ મથકના પી.આઇ. કે. જે. ઝાલાએ જણાવ્યું હતું કે, વડોદરા આજવા રોડના પાંચ મિત્રો પાવાગઢ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તેઓની કાર હિટ પકડી જતા કારના એન્જિનમાં પાણી નાખવાની જરૂર પડી હતી. તે માટે બે મિત્રો કેનાલમાં પાણી લેવા માટે ઉતરતા તણાઈ ગયા હતા. હાલ તેઓની શોધખોળ ચાલી રહી છે.

Share :

Leave a Comments