વડોદરામાં વરસાદની મોસમ શરુ થતા જ મગર બહાર નિકળવાનો સિલસિલો પણ ચાલુ થઇ જતો હોય છે. ત્યારે ગત રાત્રે મગરનું એક બચ્ચું સેન્ટ્રલ જેલની ઓફિસમાં આવી પહોંચ્યું હતું. જેને પગલે કર્મચારીઓ ગભરાઇને ઓફિસ ખાલી કરીને બહાર નિકળી ગયા હતા. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ કરાતાં મગરના બચ્ચાને સહીસલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસી ગયાના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે ગત રાત્રે 12.30 વાગ્યે વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે, સેન્ટ્રલ જેલની અંદર એક મગર આવી ગયો છે. આ કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર ફરદીન પઠાણ અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ જેલમાં પહોંચ્યા હતા. કાર્યકરો અને વન વિભાગની ટીમે પહોંચીને જોતા બે ફૂટનો મગર સેન્ટ્રલ જેલની ઓફિસમાં બેસવાના ટેબલની પાછળ સંતાયેલું બે ફુટનું મગરનું બચ્ચું જોવા મળ્યું હતું. આ બચ્ચાને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગના સેક્સ્યુ સેન્ટર પર લઇ જવામાં આવ્યો હતો.
વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી ટીમને કોલ મળતા જ અમે વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચી ગયા હતા અને મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વિભાગમાં સોંપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં એક હજાર મગર વડોદરા શહેરમાંથી 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે એક હજાર મગર છે. એક માદા મગર 20થી 22 ઈંડા મૂકે છે. જેમાંથી સમય જથા માત્ર એકાદ બચ્ચુ જીવે છે.