- કોઇને જાણ ન થાય એ રીતે કર્મચારીએ ડિજીટલ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો, ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જની સંડોવણી પણ સામે આવી
વડોદરાના કરજણમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારીએ અન્ય સાથે મળીને કમિશનની લાલચમાં કંપનીને લાખોનો ચૂનો ચોપડ્યો છે. કંપનીના ઓડિટરને આ વાતની જાણ થતા બંને વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંપનીના કર્મચારીએ કોઇને જાણ ન થાય એ રીતે ડિજીટલ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. જોકે, આઇટી ટીમે ડિલિટ થયેલી અમુક ફાઇલો રીકવર કરી છે. આમ, કંપનીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર બે શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
કરજણ પોલીસ મથકમાં રાહુલ કુમાર શાહ (રહે. શિનોવ પેલેડીયમ, ભાયલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે ખાનગી કંપનીમાં ઓડિટર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીમાં રો મટીરીયલ તરીકે ઇન્સ્યુલેશન શીટનો ઉપયોગ થાય છે. કંપનીએ શીટના પ્રોસેસીંગ અર્થે વર્ષ 2019માં એમ.કે.એસ એન્ટરપ્રાઇઝ (સરનામુ - માઇ ખુર્દ, કોહદારઘાટ, અલ્હાબાદ) ના પ્રોપ્રરાઈટર મનોકજુમાર સાધુપ્રસાદ શર્મા (રહે. આક્રોલી કરમ ઇન્ડસ્ટ્રીઝ પાછળ, ઉત્તરાખંડ) ને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેને શીટ કટીંગ જોબ વર્કના પ્રતિ કિલો રૂ. 33 ચૂકવતા હતા. તે કંપનીમાં રહેતા અને શીટ વાઇન્ડીંગ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવતા હતા. બાદમાં તેમના બિલ એકાઉન્ટ વિભાગમાં જમા કરાવતા હતા. જેના પૈસા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી જમા કરાવવામાં આવતા હતા.
તાજેતરમાં કંપનીને જાણ થઇ કે, ઇન્સ્યુલેટ શીટ કટીંગનો ભાવ ખરેખર રૂ. 17 પ્રતિ કિલો છે પરંતુ, મનોજકુમાર શર્મા રૂ. 33 પ્રતિ કિલો ભાવ વસૂલતા હતા. તેણે રજૂ કરેલા બિલમાં કોન્ટ્રાક્ટ જરૂરિયાત મુજબના દસ્તાવેજો ન હતા. બિલમાં લખ્યા મુજબ શીટનું વજન કર્યાના કોઇ અન્ય પુરાવા પણ મૂક્યા ન હતા અને વીતેલા 4 વર્ષ દરમિયાન કોઇ ભાવવધારો પણ તેણે માંગ્યો ન હતો. તેના કામ સામે વર્ષ 2019માં રૂ. 1.35 કરોડ ચૂકવ્યા હતા. જે ખરેખર ભાવની સરખામણીએ ગણીએ તો રૂ. 65.49 લાખ વધુ હતા. કંપનીના કહેવાથી મનોજ કુમાર શર્માને વર્ષ 2024માં બોલાવવામાં આવ્યા હતા. તેની પૂછપરછ કરતા કંપનીના ઇન્સ્યુલેશન ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ આનંદકુમાર બ્રિદેશ્વર સહાય પણ તેમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
બંનેએ મળીને રૂ. 17 પ્રતિ કિલોની જગ્યાએ રૂ. 33 પ્રતિ કિલો કોન્ટ્રાક્ટમાં જણાવ્યા હતા. તે પૈકી આશરે 20 ટકા તે આનંદકુમાર બ્રિદેશ્વર સહાયને ચૂકવતો હોવાનું જણાવ્યું હતું. તેણે કુલ રૂ. 39.28 લાખ બ્રિદેશ્વરને ચૂકવ્યા હોવાની હકીકત જણાવી હતી. જે અંગે તેણે સોગંદનામું પણ કર્યું છે. આ સોગંદનામું કર્યા બાદ મનોજકુમાર કંપનીમાં આવ્યો ન હતો. તેની તપાસ કરતા તે નાસી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. જે બાદ આનંદકુમાર બ્રિદેશ્વર સહાય વિરૂદ્ધ કંપનીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તેના બેન્ક સ્ટેટમેન્ટની તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના ખાતામાંથી રૂ. 36.90 લાખ જમા થયા છે. જે બાદ તેનું સોગંદનામું કરાવવામાં આવ્યું હતું. આનંદકુમાર બ્રિદેશ્વર સહાયના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવતા તેણે એટલા વજનની એક્સેલ શીટો ડીલીટ કરી દીધી હતી. જે પૈકી થોડીક ફાઇલો ટીમે રીકવર કરી હતી. આ ઘટનામાં બે શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બોગસ બિલ બનાવી કંપની પાસેથી રૂ. 65.49 લાખ પડાવી છેતરપીંડી આચરનાર મનોજકુમાર સાધુ પ્રસાદ શર્મા (રહે. આક્રોલી કરમ ઇન્ડસ્ટ્રીઝ પાછળ, ઉત્તરાખંડ) અને આનંદકુમાર બ્રિદેશ્વર સહાય (રહે. આત્મીય હાઇટ્સ, માણેજા ક્રોસીંગ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.