- છાણી પોલીસે દાગીના-રોકડ સાથે બંને પરપ્રાંતીય શખ્સોને દબોચી લીધા
શહેરના છાણી વિસ્તારમાં મકાનમાં કોન્ટ્રાક્ટથી કલરકામ કરાવનાર મહિલાના દાગીના અને રોકડ ચોરીને ભાગી ગયેલા બે પરપ્રાંતીય કારીગરોને છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ તેમના મોજશોખ પુરા કરવાના સપના ચૂર કરી દીધા હતા.
છાણી વિસ્તારમાં સંસ્કૃતિ બંગ્લોઝમાં રહેતા મધુબેન દિલિપભાઇ ગુપ્તાએ પોલીસને કહ્યું હતું કે,અમારા મકાનમાં કલરકામ માટે અર્બન કંપનીને ઓનલાઇન કોન્ટ્રાક્ટ આપ્યો હતો.જેથી બે કારીગર કલરકામ કરવા આવ્યા હતા. ગઇ તા.૨૦મીએ ચોથ હોવાથી હું બપોરે મારા પુત્રને ઘેર ગઇ હતી.રાતે દસ વાગે હું પરત ફરી ત્યારે અમારા રૂમની તિજોરી ખૂલ્લી હતી.જેથી તપાસ કરતાં અંદરથી સોનાની ચેન, બે વિંટી,ચાંદીના ૧૭ સિક્કા,બે કડા અને રોકડા રૂ.૩ હજાર મળી કુલ રૂ.૧.૯૨ લાખની મત્તા ચોરાઇ હતી. આ અંગે છાણી પોલીસને ફરિયાદ કરતાં એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન મુજબ પીઆઇ એ પી ગઢની અને ટીમે બંને કારીગરોની વિગતો મેળવી હતી.બંને કારીગરો ગુજરાત છોડીને ચાલ્યા ગયા હોવાનું જણાઇ આવતાં પોલીસની ટીમે તેમનો પીછો કરી મુંબઇના ડોંગરી વિસ્તારની અજમેરી હોટલમાંથી દબોચી લીધા હતા. તપાસ દરમિયાન તેમના નામ મો.માસુમ મો.મુખ્તાર શેખ અને મો.ઇદરીશ મો.ઇસરાફિલ શેખ(હાલ રહે.વુડાના મકાનમાં,ખિસકોલી સર્કલ પાસે,કલાલી મૂળ રહે.પૂર્વી ચંપારણ પાસે,બિહાર) પાસેથી તમામ દાગીના મળી આવ્યા હતા.જેથી તેઓ મોજશોખ કરે તે પહેલાં જ પકડાઇ ગયા હતા.આરોપી પૈકી મો.માસુમ ચાર વર્ષથી વડોદરા આવી ભાડાના મકાનમાં રહેતો હોવાની અને દોઢેક મહિના પહેલાં તેણે મો.ઇદરીશને બોલાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.