અમદાવાદના બે ભાઇએ લંડનના વર્ક વિઝાની લાલચે વડોદરાના યુવક પાસેથી રૂપિયા 26.52 લાખ પડાવ્યા

બંને જાનવી ગ્લોબલ સોલ્યુશનના નામે વિઝા અપાવવાનું કામ કરતા હતા

MailVadodara.com - Two-brothers-from-Ahmedabad-extorted-Rs-26-52-lakh-from-a-Vadodara-youth-on-the-lure-of-a-London-work-visa

- ફોટોગ્રાફીનું કામ કરતાં નવાયાર્ડના હિમાંશુ કંથારીયા પાસે વધુ 6 લાખ માંગ્યા, રૂપિયા પરત ન આપતા ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ

શહેરના નવાયાર્ડના પરિવારને લંડનના વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદના બે ભાઈએ કુલ રૂ.26.52 લાખ પડાવી લીધા હતા. બંને ભાઈ જાનવી ગ્લોબલ સોલ્યુશન નામથી વર્ક પરમિટ, વિઝા અપાવવાનું કામ કરતા હતા. આ મામલે ફતેગંજ પોલીસે ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સંતોકનગર સોસાયટી હિમાંશુ રાજેશ કંથારીયા ફોટોગ્રાફીનું કામ કરે છે. તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારા મિત્ર દિપક પરમારે કહ્યું હતું કે, મુળ સુરેન્દ્રનગર અને અમદાવાદ બોપલ ખાતે રહેતા પ્રતીક ધનજી કાલીયા લંડનના વર્ક વિઝા મેળવવા માટેનું કામ કરે છે. જોકે તે બાદ પ્રતીક કાલીયા અને તેનો ભાઈ દિપક કાલીયા મને દિપક પરમારના ઘરે મળ્યા હતા. તેઓએ મને કહ્યું હતું કે, લંડનમાં ફોટોગ્રાફરને સારી કમાણી થઈ શકે છે, ત્યાં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી માટે કમાણીની વધુ તક છે. અમે જાનવી ગ્લોબલ સોલ્યુશન નામથી વર્ક પરમિટ, વિઝા અપાવવાનું કામ કરીએ છીએ. દિપક પરમારનું વર્ક વિઝાનું કામ અમને જ સોંપ્યું છે. તે થોડા સમયમાં થઈ જશે.

મેં પ્રોસેસ અંગે પૂછતા બંને ભાઈએ કહ્યું હતું કે, તમારી પત્નીના અભ્યાસ ઉપર વિઝા મેળવી આપીશું, તમને ડિપેન્ડર તરીકે બતાવીશું. ત્યારબાદ તમારી દીકરીનું પણ વર્ક વિઝાનું કામ કરી દઈશું. આ સાથે જ તમને નોકરીએ પણ લગાવી આપીશું. જોકે તે બાદ મેં ખર્ચ પૂછતા તેમને મારી દીકરી સહીત ત્રણ જણના રૂ.25 લાખ થશે તેમ કહ્યું હતું.

પ્રતિક કાલીયાએ મને કહ્યું હતું કે, હું લંડન પરત જતો રહેવાનો છું, તમારે જે નિર્ણય લેવો હોય તે જલ્દી લેજો. અમે લંડન જવાનો નિર્ણય લીધો હતો અને તે બાદ પ્રતિકને કુલ રૂ.26.52 લાખ ચૂકવ્યા હતા. રૂપિયા આપી દીધા બાદ અમદાવાદ ખાતે મારૂં, પત્નીનું અને દીકરીનું કે.ડી. હોસ્પિટલમાં બાયોમેટ્રિક કરાવ્યું હતું. અમે પ્રોસેસ માટે અમારા તમામ ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા.

જોકે તે બાદ મારી પત્ની પાસે તેઓએ ત્રણથી ચાર પરિક્ષા અપાવી હતી. મેં વારંવાર બંને ભાઈને અમારા વિઝાનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તે પૂછતો હતો. પરંતુ તેઓ ગોળ ગોળ વાતો કર્યા કરતા હતા. તેઓ વિઝાનું કામ આજે થઈ જશે કાલે થઈ જશે તેવું કહીને સમય પસાર કર્યા કરતા હતા. મારૂ વિઝાનું કામ થયું ન હોવાથી મેં મારા રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે પ્રતિકે કહ્યું હતું કે, તમને પૈસા પરત મળી શકે નહીં. મને વધુ રૂ.6 લાખ આપો તો હું તમારા ઉપર વર્ક પરમિટનું કામ કરી આપીશ. જોકે તે બાદ મેં વિઝાનું કામ કરવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. મેં વારંવાર મારા રૂ. 26.52 લાખ પરત માગ્યા હતા, પરંતુ મને એકેય રૂપિયા પરત મળ્યો નહોતો.

ફતેગંજ પોલીસે આ મામલે અમદાવાદના પ્રતિક ધનજીભાઇ કાલીયા અને દિપક ધનજીભાઇ કાલીયા (બંને રહે. અરીયન કુટીર, આરોહી રોડ, બોપલ, અમદાવાદ. મૂળ રહે. ગાંધીનગર સોસાયટી, રતનપર, સુરેન્દ્રનગર) સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments