વડોદરા સહિત દેશભરમાં ઉતરાયણના તહેવારની રાહ જોવાઈ રહી છે ત્યારે બીજી તરફ આગમનની શહેરમાં બજારોમાં પતંગો તથા પતંગ દોરી મળવાની શરૂ થઈ ચૂકી છે. તેવા સંજોગોમાં પતંગની દોરી ટુ વ્હીલર વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થઈ રહી છે. ત્યારે બે બાઈક ચાલકના ગળામાં કપાયેલી પતંગનો દોરો ફસાઈ જતા ગળાના ભાગે ઈજા પામ્યો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના માર્કેટમાં પતંગો તેમજ દોરીનું ધૂમ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. તો બીજી તરફ પતંગ રસીયાઓએ અત્યારથી જ પતંગો ચગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આવા સમયે પતંગ દોરીથી વાહન ચાલકોના ગળા કપાવવાનો પણ સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં પતંગ દોરીથી એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે ચારથી પાંચ વ્યક્તિઓ પતંગ દોરીથી ઘાયલ તથા અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે પડવાના બનાવો પણ બનવા પામી રહ્યા છે. ત્યારે વડોદરામાં બે બાઈક ચાલક પતંગ દોરીથી ઘાયલ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આંબેડકર ચોકમાં રહેતો ધ્રુવ અજીતભાઈ સોલંકી (ઉંમર વર્ષ 20 )આજે તેની બાઈક ઉપર ફતેગંજ નરહરી હોસ્પિટલથી બાલભવન કારેલીબાગ તરફ આવી રહ્યો હતો તે દરમ્યાન વિશ્વામિત્રી બ્રિજ પાસે કપાયેલી પતંગ દોરો તેના ગળામાં આવી ગયો હતો. જેથી તેને ચાલુ બાઈક ઉપર પતંગના દોરાનો ગળાના ભાગે ઘસરકો વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે લોહી લુહાણ બનતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો એ તેની સારવાર હાથ ધરી હતી.
આ સાથે અન્ય એક બનાવમાં શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતો યુવરાજ મહેશભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 20) બાઈક પરથી બપોરના સમયે પસાર થતો હતો તે દરમ્યાન તેના ગળામાં પતંગનો દોરો આવી જતા ચાલુ બાઈક ઉપર તેને ગળાના ભાગે પતંગનાં દોરા નો ધસરકો વાગ્યો હતો. જેથી તેને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત મહેશ રાઠોડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેની સારવાર હાથ ધરી હતી. સારવાર દરમિયાન તેની હાલત સ્ટેબલ હોવાનું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે.