- બાઇકસવાર બંને ઇસમોએ અપશબ્દો બોલ્યા બાદ બસનો પીછો કરી છુટ્ટા પથ્થરો મારી કાચ તોડી નાખ્યા હતા
- બસમાં બેઠેલા ત્રણ મુસાફરને પથ્થર વાગતા ઈજા
વડોદરા શહેરના સુસેન સર્કલ પાસેથી એસટી બસ પસાર થતી હતી. ત્યારે બાઈકસવાર બે ઈસમો બસ ડ્રાઈવરને ગાળો બોલ્યા બાદ પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં બસની બારીના કાચ તૂટી ગયા હતા અને પથ્થર બસમાં બેઠેલા ત્રણ મુસાફરને વાગતા તેમને ઈજા પણ પહોંચી હતી. બસ ડ્રાઈવરે બાઈકસવાર બંને ઈસમો વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખેડા જિલ્લાના રતનપુર ગામે દિપક નગરમાં રહેતા સંગ્રામસિંહ ચિમનભાઈ ડાભીએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, જીએસઆરટીસી બસમાં તેઓ ડ્રાઈવર છે અને મારી અમદાવાદ-1 ડેપોમાં નોકરી કરે છે. 6 માર્ચના રોજ રાત્રિના અગિયાર વાગ્યે અમે અમદાવાદથી અમારા રૂટીન ફરજ મુજબ જીએસઆરટીસીની સરકારી બસ લઈને નાસિક જવા નીકળ્યા હતાં. રાત્રિના આશરે દોઢેક વાગ્યે મકરપુરા જૂના પોલીસ સ્ટેશન ખાતેથી પસાર થતા હતા.
આ દરમ્યાન તે સમયે સર્કલ ઉપર સુસેન તરફથી બાઈક લઈ બે ઈસમો આવતા આજુ-બાજુથી ક્રોસ થતા તેઓએ અમને જણાવેલ કે હોર્ન મારો. જેથી મેં તેને કહ્યું હતું કે આટલી મોટી ગાડી દેખાતી નથી. જેથી બન્ને ઇસમો ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી મેં તેને ગાળ બોલવાની ના પાડી અને અમે અમારી બસ લઈ નીકળ્યા ત્યારે બાઈક પર આ બે શખ્સો પાછળ આવ્યા હતા અને છુટ્ટા પથ્થરો મારીને બારીના કાચ તોડી નાખ્યા હતા.
આ બાદમાં મુસાફરી કરી રહેલ ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. પથ્થર માર્યા બાદ અજાણ્યા ઇસમો તેઓની મોટર સાયકલ લઇ ત્યાથી ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસ દ્વારા બાઈક સવાર બંને શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.