વડોદરા રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે તીરુચાપલ્લી સ્પેશિયલ એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી ઊંઘનો લાભ લઈને સોનાના દાગીના ફોન સહિતની મતા ભરેલા લેડીઝ પર્સની ચોરી કરી નાસી જનાર મહિલા સહિત એક ઇસમને લોકલ ક્રાઈમની ટીમે ઝડપી પાડયા હતા. બંને પાસેથી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 18.45 લાખ રિકવર કરીને આગળની કાર્યવાહી માટે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની વારંવાર મોબાઈલ રોકડ અને દાગીના સહિતના બેગોની ચોરી થતી હોય છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ રેલવેની ટીમ દ્વારા આ ચોરીના બનાવ અને અંજામ આપતા ગઠિયાઓની શોધખોળ કરવા માટે વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક મહિલા અને પુરુષને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીની અંગઝડતી કરવામાં આવતા તેમની પાસેથી સોનાનું મંગળસુત્ર, ચેઇન, બ્રેસલેટ, બંગડી, અંગુઠીઓ તથા એક મો.ફોન મળી રૂપિયા 18.45 લાખની માલમતા મળી આવી હતી.
આ બંને પાસેથી માલમતા કબજે લઈને તેમની પૂછપરછ કરતા તેઓએ ગત 27 ફેબ્રુઆરીના રોજ તીરૂચાપલ્લી સ્પેશિયલ એકસપ્રેસ ટ્રેનમાં મહિલાની ઊંઘનો લાભ લઈને દાગીના ભરેલી બેગની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિષ્ણુભાઇ રામાભાઈ કંકોડીયા (રહે. વારસાથી વિનીત સતિરક આવેલ ઓવરબ્રિજ નીચે ફુટપાથ ઉપર અમરોલી સુરત, મુળ.ગામ. છાપી તા.વડગામ જી. બનાસકાંઠા) અને બરખાબેન ઉર્ફે વર્ષા રણજીતભાઈ દંતાણી (હાલ. નારાયણનગર વાસણા રોડ અમદાવાદ. મુળ રહે. ગોધાઈગામ તા.ધોળકા જિ. અમદાવાદ)ને કાયદેસર કાર્યવાહી કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.