શિનોરમાં પેટ્રોલ પંપના ફિલરના ગળા ઉપર દાતરડું મૂકી બે બુકાનીધારી 10 હજારની લૂંટ ચલાવી ફરાર

ગતરાત્રે ૩ વાગે કજેઠા ગામના પાસે આવેલા પેટ્રોપ પંપ બનેલી ઘટના સીસીટીવીમાં કેદ

MailVadodara.com - Two-armed-robbers-put-a-sickle-on-the-throat-of-a-petrol-pump-filler-in-Shinor-and-ran-away-with-a-robbery-worth-10-thousand

- ગ્રાહકના સ્વાંગમાં આવેલા બુકાનીધારીએ મોડી રાત્રે ખાટલામાં સૂઇ રહેલા ફિલરને ઉઠાડી પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલની માંગ કરી હતી

- લૂંટારુઓનો ભોગ બનેલા મહેન્દ્રભાઇ તડવી અન્ય કર્મીઓને બોલાવે તે પહેલાં જ લૂંટારુ 10 હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર


શિનોર તાલુકાના મોટા ફોફડીયાથી-શિનોર જવાના રસ્તા ઉપર કંજેઠા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ આવેલો છે.  મધ રાત્રે 3 વાગે ગ્રાહકના સ્વાંગમાં બોટલમાં પેટ્રોલ લેવા આવેલા બે લૂંટારુ ફિલરનું મોંઢુ દબાવી ગળા ઉપર દાતરડું મૂકી રૂપિયા 10 હજાર રોકડ તેમજ મોબાઇલ ફોન મળી રૂપિયા 11 હજારનો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. આ ચકચારી ઘટનાના સી.સી. ટી.વી. ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વડોદરાના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી વૈકુંઠ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ પટેલનો શિનોર તાલુકાના મોટા ફોફડીયાથી શિનોર જવાના રસ્તા ઉપર કંજેઠા ગામ પાસે પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પર ઉપર  મોટા કરાળા ગામ વસાહતમાં રહેતા મહેન્દ્રભાઇ મંગુભાઇ તડવી ફિલર તરીકે ચાર વર્ષથી નોકરી કરે છે. 


ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાઇટ શિફ્ટમાં મહેન્દ્ર તડવી સહિત બે ફિલર, મેનેજર અને એક વોચમેન સહિત ચાર કર્મચારીઓ નોકરી ઉપર હતા. રાત્રીના લગભગ 3 વાગ્યાના સુમારે મહેન્દ્ર તડવી ખાટલામાં આરામ કરતો હતો. તે સમયે એક બુકાનીધારીએ ખાટલામાં સૂઇ રહેલા મહેન્દ્રને ઉઠાડી પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ આપવાની માંગણી કરી હતી. મહેન્દ્ર ખાટલામાંથી ઉઠી મશીન પાસે પહોંચ્યો હતો અને મશીન ચાલુ કર્યું હતું. તેજ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારાએ ફિલર મહેન્દ્રનું એક હાથથી મોંઢુ દબાવી દીધું હતું. અને બીજા હાથથી કમરથી પકડી લીધો હતો. દરમિયાન તુરંત જ નજીકમાં ઉભેલો બીજો લૂંટારું દાતરડા સાથે ધસી આવ્યો હતો. અને ફિલર મહેન્દ્રભાઇના ગળા ઉપર મૂકી તેના ખિસ્સામાંથી દિવસ દરમિયાનના વકરાના રૂપિયા 10 હજાર રોકડા અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી બંને ફરાર થઇ ગયા હતા. આ બનાવે પંથકમાં સનસનાટી મચાવી મૂકી હતી.


લૂંટારુઓનો ભોગ બનેલો મહેન્દ્રભાઇ તડવી અન્ય કર્મચારીઓને બોલાવે તે પહેલાં લૂંટારુ ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવ અંગે મહેન્દ્ર તડવીએ શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શિનોર પોલીસ મથકના એ.આર. મહિડાએ ફરિયાદના આધારે પેટ્રોલ પંપ ઉપરથી સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments