પાદરાની ચોક્સી કલર્સ કંપનીના યુરીયા કૌંભાડમાં સપ્લાયર સહિત બે આરોપી ઝડપાયા, માલિક ફરાર

ખેડૂતોનું સબસિડીવાળું યુરીયા ખાતર અન્ય કપનીઓને વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું!

MailVadodara.com - Two-accused-including-supplier-caught-in-Urea-scam-of-Choksi-Colors-Company-in-Padra-owner-absconding

- કંપની ઉત્પાદન યુનિટ અને ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરીયાનો જથ્થો મળ્યો હતો

- કંપનીના માલિકે યુરીયાના બાકી 14.5 મેટ્રીક ટન જથ્થા અંગે ખુલાસો ન કરતાં ખેતી નિયામકે તમામ પુરાવા એકઠા કરી વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી


વડોદરાના પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળા યુરીયા ખાતરનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવાનું કૌંભાડ ઝડપાયું હતું. આ કૌંભાડમાં વડુ પોલીસે યુરીયા સપ્લાયર સહિત બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, વડોદરાના નાયબ ખેતી નિયામકે આ કૌંભાડની ફરિયાદ નોંધાવી હતી.

પાદરા પોલીસ મથકના પી.આઇ. વી.એમ.ટાંકે જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમીટેડ (યુનિટ-2, 85/બી, ઇસીપી રોડ, કરખડી, પાદરા) નામની કંપની આવેલી છે. આ કંપનીમાં સી.પી.સી. બ્લૂ (ડાઇઝ ઇન્ટરમિડીએટ) નું ઉત્પાદન થાય છે. કંપનીના માલિક પ્રદીપકુમાર મણીલાલ ચોક્સી (રહે. 28, પ્રકૃતિ સંજીવબાગ સોસાયટી, ન્યુ સાદરા રોડ, સંજીવની હોસ્પિટલ પાસે પાલડી, અમદાવાદ) છે. આ કંપનીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરનાર ભાર્ગવ એન્ટરપ્રાઇઝના ભાર્ગવ કાંતિલાલ રોહિત (રહે, અંકલેશ્વર) અને વડોદરાના અંકિત જ્યેન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને બંનેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ મળે અન્ય વિગતો બહાર આવશે.


ઉલ્લેખનિય છે કે, આ કંપનીમાં નાયબ ખેતી નિયામક વિજયકુમાર ડામોર તેમજ પાદરા અને સાવલીના ખેતી વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંપની ઉત્પાદન યુનિટ અને ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરીયાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતી નિયામકની ટીમ દ્વારા શંકાસ્પદ મળી આવેલા યુરીયાના નમૂના લઇ પૃથ્થકરણ માટે બારડોલી મોકલી આપ્યા હતા. જેમાં યુરીયા એગ્રીકલ્ચરમાં વપરાતું નીમ કોટેડ યુરીયા હોવાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.

ખેતી નિયામકની તપાસમાં ભાર્ગવ એન્ટરપ્રાઇઝ (પ્લોટ નંબર-46, યોગી એસ્ટેટ-2, જી.આઇ.ડી.સી. અંકલેશ્વર) ના જવાબદાર વ્યક્તિ તથા પ્રદિપકુમાર મણીલાલ ચોક્સી (રહે. 28, પ્રકૃતિ સંજીવબાગ સોસાયટી, ન્યુ સાદરા રોડ, સંજીવની હોસ્પિટલ પાસે પાલડી, અમદાવાદ) બંનેએ ભેગા મળી સબસીડીવાળા રાસાયણિક ખાતર NEEM COATED UAREA નો ખેતીમાં વપરાશ કરાતા જથ્થાની બેગો ઉપર TECHANICAL GRADE UREA, FOR INDUSTRIAL USE ONLY , MONTH OF IMPORT, PURPOSE/USE નામની બેગોમાં પેકીંગ કરતા હતા.


ખેતી નિયામકની ટીમ દ્વારા તા. 24-5-022ના રોજ કરવામાં આવેલી સંયુક્ત તપાસ દરમિયાન કંપનીમાં મેહુલભાઇ પટેલ મળી આવ્યા હતા અને તે સમયે શંકાસ્પદ મળી આવેલ યુરીયાનો 74.500 ટન જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. મેહુલ પટેલની પૂછપરછ કરતા તેઓએ ભાર્ગવ એન્ટર પ્રાઇઝ, ભરૂચ, તિરૂપતી કોર્પોરેશન ખંભાત બિલ રજૂ કર્યા હતા. આ દરમિયાન ખેતી નિયામક વિભાગ દ્વારા કંપનીના માલિક પ્રદિપકુમાર ચોક્સીને નોટિસો બજાવી ખુલાસો માંગવામાં આવ્યો હતો.

કંપનીના માલિક પ્રદિપકુમાર ચોક્સીએ 60 મેટ્રીક ટન જથ્થો અંકલેશ્વર ખાતે આવેલ ભાર્ગવ એન્ટરપ્રાઇઝમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ, કંપનીના માલિક દ્વારા અન્ય 14.5 મેટ્રીક ટન જથ્થા અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન ખેતી નિયામક દ્વારા તમામ પુરાવા એકઠા કરી વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે વડુ પોલીસે યુરીયા સપ્લાય કરનાર ભાર્ગવ રોહિત અને વડોદરાના અંકિત ત્રિવેદીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજુ કંપનીનો માલિક પ્રદિપકુમાર ચોક્સી પોલીસ પકડથી દૂર છે.

Share :

Leave a Comments