- પોલીસ તપાસમાં બંને ગઠિયાએ 10 એકાઉન્ટ ખોલાવી 7 કરોડની લેવડ-દેવડ કરી હોવાનું ખૂલ્યું, બન્ને સામે 19 રાજ્યમાં 150 ફરિયાદ થઈ
વડોદરામાં શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપી ફરિયાદી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર શહેરના વાડી વિસ્તારમાં રહેતા બે શખસની પોલીસ ધરપકડ કરી છે.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, તેઓએ ફેસબુક પર શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વ્હોટસએપ ગ્રુપમાં જોડવામાં આવેલ. જેમા શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને https:// ipa.confsllite.com એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમા તેઓને બોનસ રૂપે 10 હજાર રૂપિયા વોલેટમાં આપવામાં આવ્યા હતા. જેમાં તેઓએ KYC કરાવ્યા બાદ તેઓને IPO લેવા માટે વ્હોટ્સએપમાં મેસેજ આવ્યો હતો.
આથી IPO ખરીદવા તેમજ શેરમાં ઇન્વેસ્ટ કરવા તેઓએ આ એપ્લિકેશનમાં પૈસા જમા કરાવ્યા હતા અને એપ્લિકેશનમાં એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું. તેઓને અલગ અલગ એપ્લિકેશનોની લિંક મોકલવામાં આવી હતી. બાદમા અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ IPO ખરીદવાના બહાને કુલ રૂ. 1,43,840 પ્રોફિટરૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ રૂ.10,67,960 ટ્રાન્સફર કરાયા હતા. બાદમા સામેવાળાને રૂપિયા વીડ્રો કરીને ફરિયાદીને પરત કરવા કહેવામાં આવ્યું હતું. પરંતું સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કર્યાં ન હતા. જેથી ફરિયાદી સાથે રૂપિયા 9,24,120ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવા વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત વડોદરા ખાતેની આવતી હોવાથી ટીમ દ્વારા આરોપીઓ અહેમદ રઝા દરોગા (ઉં.વ. 24, ડિપ્લોમા મિકેનીકલ એન્જિનિયરિંગ, ધંધો-કાફે માલિક, રહે. વાડી, વડોદરા) અને અબ્દુલ રહેમાન શેખ (12 પાસ, ધંધો-નોકરી, રહે. વાડી, વડોદરા)ની ધડપકડ કરી 2 દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામા આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર તેમજ એકાઉન્ટ સપ્લાયર તરીકે કામ કરતા હતા. તેઓ પેઢી રજિસ્ટ્રેશનથી લઈને આઇડી પાસવર્ડ બનાવવા સુધીની તમામ કામગીરી કરતા હતા. તેઓ બેંક એકાઉન્ટ ખોલાવાની તમામ પ્રોસિઝર કરીને કીટ રેડી કરીને સીમકાર્ડ સાથે સહઆરોપીને સોંપી દેતા હતા. જેમાં ફરિયાદીનાં નાણા ટ્રાન્સફર થયેલ છે. આરોપીએ અન્ય લોકોના પણ બેંક ખાતાઓ ખોલાવડાવી સહ આરોપીને વેચી દીધા છે. તેઓએ આવા 10થી વધુ બેંક ખાતાઓ ખોલાવેલ છે. જેના માટે તેઓ કમિશન લેતા હતા. બેંક ખાતાઓ વિશે મળેલી પ્રાથમિક માહિતી ઉપરથી જણાયું છે કે, આ બેંક ખાતાઓમાં રૂપિયા 7 કરોડથી વધુની લેવડ-દેવડ થયેલ છે. હાલમાં વધુ તપાસ ચાલુ છે અને આરોપીઓ દ્વારા ખોલાવેલબેંક ખાતાઓમાં સાયબર ક્રાઇમ નેશનલ પોર્ટલ ઉપર અલગ અલગ 19 રાજ્યોમાં કુલ 150થી વધુ કમપ્લેન થયેલ છે.