- આરટીઓ પારસિંગ વિનાના સાઇલેન્સર બે બાઇકમાં લગાવેલા હતા
શહેરના આજવા રોડ કમલા નગર તળાવ નજીક રેસર મોટરસાયકલ પર જોખમી સ્ટંટ કરી અન્ય રાહદારીઓના જીવ જોખમાય તે રીતે રેસર બાઇક હંકારતા બે નબીરાઓની બાપોદ પોલીસે ધરપકડ કરી છે.
સોશ્યલ મીડિયા પર રીલ બનાવીને લાઈફ અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં કેટલાક નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે. રસ્તા પર અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાય તેવી રીતે જોખમી સ્ટંટ કરીને બાઇક હંકારવામાં આવતી હોય છે. ભૂતકાળમાં આવા અનેક વિડીયો સામે આવ્યા હતા. ત્યારે આજે બાપોદ પોલીસે આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસેથી બે નબીરાઓને ઝડપી પાડયા છે.
વડોદરા શહેરના આજવા રોડ સ્થિત કમલા નગર તળાવ પાસે કેટલાક યુવકો બાઇક પર જોખમી સ્ટંટ કરીને વિડીયો બનાવતા હોવાની માહિતી બાપોદ પોલીસને મળતા પોલીસે તળાવ નજીક વોચ રાખી હતી. જેમાં યામાહાની બે રેસર બાઇક સાથે બાઇક રાઈડર આવી પહોંચ્યા હતા. જેઓએ પોતાની બાઇકમાં ધ્વનિ પ્રદુષણ થાય તેવી રીતે RTO પારસિંગ વિનાના સાઇલેન્સર લગાવ્યા હતા. અને ફૂલ રેસ આપીને મુખ્યમાર્ગ પર બાઇક હંકારતા હતા.
બાપોદ પોલીસે બંને નબીરાને અટકાવીને પૂછપરછ કરતા સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત (રહે. શિવશક્તિ સોસાયટી, ન્યુ IPCL રોડ, ગોરવા) તેમજ અમરજીત અશરફી સહાની (રહે. શ્રીજી આશ્રય, કમલાનગર તળાવ પાસે, વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટંટ કરીને વિડીયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થતા હતા. જ્યારે અગાઉ પણ અનેક વાર વિડીયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. બાપોદ પોલીસે બંને સ્ટંટબાજ નબીરાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.