- અધૂરા કામના કોન્ટ્રાક્ટરને પુરેપુરા રૂ.૧૪ કરોડ કેમ ચૂકવાયા..?
- નમાલા શાસકો ના પાપે દશ વર્ષ સુધી ખંડેર મકાનો પડી રહ્યા..
વડોદરા મહાનગર પાલિકા "લાખના બાર" કરવામાં ગજબની કુશળતા ધરાવે છે. નબળા શાસકોના પાપે નવાયાર્ડ અને છાણીમાં રૂપિયા ૧૪ કરોડ ફૂંકીને બનાવેલા બે ખંડેર મકાનો રીપેર કરવા પાછળ રૂ. ૬.૫૦ કરોડનું આંધણ કરશે. જે બજાર ભાવ કરતા ૪૪.૭૫ ટકા વધુ નાણાં ચૂકવી કરવામાં આવશે અને હા GST અલગ રહેશે...
વડોદરાને શાંધાઈ બનાવવાનું સપનું વર્ષ ૨૦૦૫ મા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. ત્યારબાદ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ વડોદરા ૨૦ બાદ પણ વિકાસની હરણફાળમા બાકાત રહ્યું. આ વસવસો તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વ્યક્ત કરી ચુક્યા છે. જો કે નબળા અને નમાલા શાશકોને મુખ્યમંત્રી ની ટકોરની જાણે કોઈ પરવાહ નથી. તાજેતરમાં પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ એક દરખાસ્ત આવી છે જે શાસકોના નબળા શાશન ની ચાડી ખાય છે. પ્રજાના પરસેવાની કમાણી અણ આવડત ને કેવી રીતે ભેટ ચઢી જાય છે એનો બોલતો પુરાવો આ દરખાસ્ત પુરવાર કરે છે. આ દરખાસ્ત ને સમજવા આપણે દશ વર્ષ પાછા જવુ પડશે. વર્ષ ૨૦૧૨ મા પાલિકાની સ્થાયી સમિતિના તત્કાલીન અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલના સમયમાં નવાયાર્ડ અને છાણી ખાતે મળી રાજીવ આવાસ યોજના અંતર્ગત રેન્ટલ આવાસ કમ ટ્રાન્ઝીટ હાઉસિંગ ના નામે ૪૯૮ આવસો બનાવવાનું કામ બેકબોન એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું. વર્ષ ૨૦૧૪ મા રૂ.૧૪ કરોડનો વર્ક ઓર્ડર સોંપવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ મુજબ બંને સ્થળના આવાસો કોન્ટ્રાકટરે સંપૂર્ણ પણે બનાવી ઉપયોગ કરવા લાયક બનાવી સોંપવાના હતા. જો કે આ કામ પૂર્ણ થયું નહીં..ત્રણ વર્ષ અગાઉ ૫ એપ્રિલ ૨૦૨૧ મા 'મેઈલ વડોદરા' દ્વારા એક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિકાએ રૂ. ૧૪ કરોડના ખર્ચે બનેલા બે ખંડેર બનાવ્યાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
- સ્થાયી સમિતિ દરખાસ્ત મંજુર કરશે કે તલસ્પર્શી તપાસ કરાવશે..?
અહીં નવાઈ ની વાત એ છે કે નવાયાર્ડ અને છાણી ના મળી બંને આવાસો ના રૂપિયા ૧૩.૯૦ કરોડ ચૂકવાઈ ગયા હતા. લગભગ સાત થી આઠ વર્ષ સુધી પડી રહેલા ખંડેર પાછળ જવાબદાર અધિકારીઓ તથા નેતાઓ સામે કાર્યવાહી કરવાને બદલે જે તે સમયે થયેલા આંધળુંકિયા ને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે તે સમયે પાલિકાને થયેલા ભારે નુકસાન સામે તત્કાલીન અને હાલના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વિરોધ પણ કર્યો હતો.
- ભૂતકાળમાં કથિત કૌભાંડ સામે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સવાલો ઉઠાવ્યા હતા
તમને જાણી ને નવાઈ લાગશે કે બંને આવાસો પુરા કરવા માટે રૂ.૬.૫૦ કરોડ ના ૪૪.૭૫ ટકા વધુનો કોન્ટ્રાક્ટ પણ એ જ કોન્ટ્રાક્ટરને અપાયો છે જેને ભૂતકાળમાં રૂ. ૧૪ કરોડના ખર્ચે આ બંને આવાસો બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. કોન્ટ્રાક્ટરનું નામ માત્ર બદલાયું છે. અગાઉ મેસર્સ બેકબોન એન્ટરપ્રાઈઝ નું નામ હવે મેસર્સ આઇરન ટ્રાઈન્ગલ કરી દેવામાં આવ્યું છે. અહીં સવાલ એ છે કે રૂ. ૧૪ કરોડના ખર્ચે બનેલા બે ખંડેર મકાનો દશ વર્ષ સુધી બીન ઉપયોગી કેમ પડી રહ્યા ? વારંવાર યોજનાઓ કેમ બદલવી પડી ? કામ પૂરું થાય એ પહેલા કોન્ટ્રાકટરને પુરેપુરા રૂ. ૧૩.૯૦ કરોડ ચૂકવવાની તાલાવેલી દાખવનાર અધિકારી સામે તપાસ કે કાર્યવાહી કેમ ના થઈ ? પાલિકાને થયેલા પારાવાર નુકસાન માટે શાસકો જવાબદાર નથી ?
અહીં સૌથી મહત્વની વાત એ છે કે પહેલા રૂ. ૧૪ કરોડ અને હવે રૂ. ૬.૫૦ કરોડ ખર્ચ્યા બાદ પણ આ બંને ઇમરતો નો ઉપયોગ ક્યાં કરવો એ પાલિકા નક્કી કરી શક્યું નથી. દરખાસ્ત મુજબ આવસો માટે અથવા પાલિકા માટે ઉપયોગ કરવો એવી શક્યતાઓ સાથે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભૂતકાળમાં થયેલા આંધળુંકિયા કહો કે કૌભાંડ, સ્થાયી સમિતિ આ દરખાસ્ત મંજુર કરે છે કે તલસ્પર્શી તપાસ કરાવે છે..?