ડીવાઇડર પર ઉગાડેલા વૃક્ષો સ્ટ્રીટ લાઈટ ઢાકી રહ્યા છે, અધિકારીઓને નથી દેખાતું..!!

નબળા સુપરવિઝનના બોલતા પુરાવા..

MailVadodara.com - Trees-growing-on-the-divider-are-covering-the-street-lights-the-officials-cannot-see

- સ્ટ્રીટ લાઈટ ઢંકાઈ જતાં સડકો પર અંધારામાં વાહન ચલાવતા માથે અકસ્માત નું જોખમ..!


વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓના નબળા સુપરવિઝનના પાપે રાહદારીઓ માટે જોખમ ઉભું થયું છે. ડીવાઇડર પર લાગેલા વૃક્ષ સ્ટ્રીટ લાઈટ ઢાંકી રહ્યા છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી.

         વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ એટલી હદે ખાડે ગયો છે કે જે નરી આંખે  સામાન્ય પ્રજાને દેખાય એ કહેવાતા કુશળ અધિકારીઓને નજરે પડતું નથી. સડકો અને ડિવાઈડર પર ઉગાડેલા છોડ અને વૃક્ષો સમયસર ટ્રીમિંગ કરવા પાછળ પાલિકા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે. જો કે ધાર્યું પરિણામ મળતું નથી. જેનું મુખ્ય કારણ છે નબળું સુપરવિઝન. શહેરને સુશોભીત કરવાના નામે જોયા જાણ્યા વગર ડીવાઇડર પર ઉગાડેલા કોનોકાર્પસના છોડ હવે વાહન ચાલકો માટે મુસીબત બની રહ્યા છે. આવી જ રીતે ડીવાઇડર પર ઉગાડેલા વૃક્ષો કાપવામાં આળશ ગંભીર અકસ્માતને આમઁત્રણ આપી શકે છે.


અકોટા વિસ્તારમાં ડીવાઇડર પર ઉગાડેલા વૃક્ષો પૈકી ગણતરી ના વૃક્ષો ટ્રીમીંગ કરવામાં આવ્યા છે. ઘણા બધા વૃક્ષો કાપવામાં આવ્યા નથી. આ વૃક્ષો એટલા મોટા થઈ ગયા છે કે ડીવાઇડર પર લાગેલી સ્ટ્રીટ લાઈટ ઢંકાઈ જાય છે. સડક પર લાઈટનું અજવાળું પડતું નથી. વાહન ચાલકો અંધારામાં વાહન ચલાવવા મજબુર છે. ન કરે નારાયણ અને ડીવાઇડર પરથી કોઈ જાનવર નીકળે તો અંધારાને કારણે વાહન ચાલકની હાલત શું થાય ? અહીં સવાલ એ છે કે ડીવાઇડર પરના અડધા ઝાડ જ ટ્રીમિંગ કેમ કરવામાં આવ્યા ? કોન્ટ્રાકટરે અડધા ઝાડ ટ્રીમિંગ કરી કામ અધૂરું કર્યું એ અધિકારી ઓને ખબર ના પડી ? અધિકારીઓના નબળા સુપરવિઝન પાપે કોઈ ગંભીર અકસ્માત થયો તો જવાબદાર કોણ ? ખેર, આ અંગે અધિકારીઓને પૂછતાં ગોળ ગોળ જવાબ મળે છે. પાલિકાના વહીવટી તંત્ર આવી ગંભીર બાબતો પર ધ્યાન આપે એ જરૂરી છે.


Share :

Leave a Comments