- બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા, પોલીસે 18.67 લાખ કિંમતનો દારૂનો જથ્થો તથા 3 મોબાઇલ તથા ટેલર મળી કુલ 33.87 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો
વડોદરા જિલ્લાના કરજણ-ભરથાણા ટોલનાકા પાસે એલસીબીએ વોચ ગોઠવી ટ્રેલરમાં વડોદરા તરફ લવાતો રૂપિયા 18.67 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં ટ્રક ચાલક સહિત બેની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલે આપેલી માહિતી મુજબ, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, ભરૂચ તરફથી દારૂનો જથ્થો ભરેલુ એક ટ્રેલર વડોદરા તરફ આવી રહ્યું છે. જે માહિતીના આધારે ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતી વાળુ ટ્રેલર આવતાની સાથે પોલીસે રોક્યુ હતુ અને ટ્રક ચાલક અને ક્લિનરને સાથે રાખી ટ્રેલરમાં તપાસ કરતા દારૂ 6456 બોટલો ભરેલી 363 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 18.67 લાખ કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ મોબઇલ અને ટ્રેલર કબજે કરવા સાથે ટ્રેલર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ટ્રેલર ચાલક મહારાષ્ટ્રના આજડોહ ગામનો પ્રમોદ ઉકડરાવ રમધમ અને અને ક્લીનરનું નામ અજય રમેશ ઉઇકે (રહે. મરકસુર, મહારાષ્ટ્ર)નો હોવાનું બહાર આવ્યું હતું. તેઓએ પોલીસની વધુ પૂછપરછમાં આ દારૂનો જથ્થો સુનિલ નામના વ્યક્તિએ ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. વડોદરા પહોંચ્યા બાદ સુનિલને ફોન કરવાનો હતો અને તે જે સ્થળે દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો તે સ્થળનું નામ આપનાર હતો.
આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદ કિશનસિંહે કરજણ પોલીસ મથકમાં ટ્રેલર ચાલક, ક્લિનર તેમજ આ દારૂનો જથ્થો ભરાવનાર સુનિલ અને દારૂનો જથ્થો મંગાવનાર સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ટ્રેલર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર તેમજ અન્ય ચિજવસ્તુઓ મળી કુલ રૂપિયા 33,87,152નો મુદ્દામાલ કબજે કર્યો હતો.