- ગરમી હોવાથી દંપતિ શેરડીનો રસ પીવા માટે ઉભું હતું, આ દરમિયાન થ્રી-વ્હિલ ટેમ્પો ચાલકે દંપતિને જોરદાર ટક્કર મારતા બંને રોડ ઉપર ફંગોળાયા હતા
શહેર નજીક વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામ પાસે શેરડીનો રસ પીવા માટે ઉભા રહેલા દંપતિને થ્રી-વ્હિલ ટેમ્પોએ અડફેટમાં લેતા પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પત્નીને સામાન્ય ઇજા પહોંચી હતી. અરેરાટીભર્યા આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની સીમમાં આવેલી 152, આશ્રય વાટીકામાં રહેતા ધર્મિષ્ઠાબહેન ભાટીયા (ઉં.52) હાલોલ ધનસર મુવાડી ખાતે આવેલી સરકારી શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ પરેશકુમાર મણીલાલ ભાટીયા (ઉં.55) પણ શિક્ષક હતા.
ગઈકાલે મંગળવારે શાળામાં મિટીંગ હોવાથી ધર્મિષ્ઠાબેન સ્કૂલમાં ગયા હતા. બપોરે મિટીંગ પૂરી થયા બાદ તેમના પતિ પરેશભાઈ બાઈક લઈને પત્નીને લેવા ગયા હતા. બંને મંગળવારે બપોરે નોકરી પરથી મોટર સાઇકલ ઉપર બાકરોલ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે અસહ્ય ગરમી હોવાથી દંપતિ જેસીંગપુરા ગામના પાટીયા પાસે શેરડીના કોલા ઉપર રસ પીવા માટે ઉભા રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ પસાર થઇ રહેલા થ્રી-વ્હિલ ટેમ્પો ચાલકે દંપતિને જોરદાર ટક્કર મારતા બંને રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં પરેશકુમાર ભાટીયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ધર્મિષ્ઠાબહેનને ઇજાઓ પહોંચી હતી.
જેસીંગપુરા ગામ પાસે પત્નીની નજર સમક્ષ જ પતિનું અકસ્માતમાં મોત નીપજતાં પત્નીના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. અરેરાટીભર્યા આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે, લોકો સ્થળ પર આવી પહોંચે તે પહેલાં થ્રી-વ્હિલ ટેમ્પો ચાલક ટેમ્પો લઇ ફરાર થઇ ગયો હતો.
દરમિયાન આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વાઘોડિયા પોલીસે થ્રી-વ્હીલ ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.