વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીનું ફરજ દરમિયાન ગ્રાઇન્ડરથી ગળું કપાતાં કરુણ મોત

મૂળ કાલસરનો મિનેષ પટેલ હાલ આજવા રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો હતો

MailVadodara.com - Tragic-death-of-an-employee-working-in-a-private-company-in-Vadodara-after-his-throat-was-cut-by-a-grinder-during-duty

- માતા-પિતાનો એકનો એક પુત્ર અને બે બહેનોના એકના એક ભાઇનું મોત થતા પરિવાર આઘાતમાં, 4 માસ પહેલાં નોકરી લાગ્યો હતો


વડોદરા શહેર નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીનું ફરજ દરમિયાન ગ્રાઇન્ડરથી ગળું કપાતાં કરુણ મોત નિપજ્યું હતું. માતા-પિતાનો એકનો એક પુત્ર અને બે બહેનોના એકના એક ભાઇનું અચાનક મોત થતા પરિવાર આઘાતમાં છે. બનાવની જાણ થતા જ પરિવારજનો તેમજ સાથી કર્મચારીઓ અને મિત્રો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તથા મંજુસર પોલીસે મૃતદેહનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળેલી માહિતી મુજબ મૂળ ડાકોર પાસે આવેલ કાલસર ગામનો વતની અને હાલ શહેરના આજવા રોડ ઉપર C -89, ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય મિનેષ દિનુભાઇ પટેલ વડોદરા નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ચાર માસ પહેલાં જ નોકરી લાગેલ મિનેષ આજે સવારે ફસ્ટ શિફ્ટમાં ગયા હતા. અને મશીન ઉપર પોતાનું કામ શરૂ કર્યુ હતું. દરમિયાન અકસ્માતે મશીનનું ગ્રાઇન્ડર ગળામાં વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સ્થળ પર જ ઢળી પડ્યા હતા.


ત્યારબાદ સાથી કર્મચારીઓ તુરંત જ ઇજાગ્રસ્ત મિનેષ પટેલને છાણીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતાં. જોકે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પત્ની અને પુત્ર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે વતનમાં રહેતા માતા-પિતા સહિત પરિવારજનો દોડી આવ્યા હતા. મિનેષના મોતથી પરિવાર આઘાતમાં છે. અણધાર્યા મોતને ભેટેલ મિનેષ માતા-પિતાનો એકનો એક પુત્ર અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો.


આ બનાવ અંગે મંજુસર પોલીસે મૃતદેહનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments