અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી સિગ્નલો બંધ રહેશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનચાલકોએ ધમધમતા તાપમાં ઊભા ના રહેવું પડે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના ટ્રાફિક જંક્શનો પર લાવેલા સિગ્નલ બપોરે બંધ રહેશે. ઉનાળામાં ગરમીનો પારો ઊંચો જતો હોય છે. એવામાં ધોમધખતા તાપમાં એક મિનિટ પણ ઊભું રહેવું મુશ્કેલ થઇ જાય છે. એવામાં ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેતા વાહનચાલકો તાપ અને વાહનોના ધુમાડાની ગરમી મુસીબતમાં મૂકે છે. સામાન્ય સંજાેગોમાં બપોરના સમયે ટ્રાફિક નહિવત હોય છે. જાે કે સિગ્નલ ચાલુ હોય તો ઓછા ટ્રાફિક વચ્ચે રોડ ખાસ હોવા છતાં ઊભા રહેવાની ફરજ પડે છે. વાહનચાલકોને કાળઝાલ ગરમીમાં રાહત મળે એ હેતુથી શહેરના તમામ જંક્શનો પર બપોરના એક વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમય દરમ્યાન સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક વિભાગ તરફથી આ અંગે પાલિકાને પણ પત્ર લખવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસ વિભાગ તરફથી જંક્શનો પર ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરવાનો નિર્ણય વાહનચાલકોને ગરમીમાં ઘણી રાહત આપશે.