- સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો રાત્રે રીપેરીંગ કર્યું હોત તો લોકોને હેરાન ના થવું પડત
વડોદરામાં ટ્રાફિકથી ખૂબ જ ધમધમતા રહેતા અકોટા દાંડિયા બજાર બ્રિજ, ચાર રસ્તા પર શનિદેવ મંદિર નજીક પાણીની મોટી લાઈનમાં લીકેજ થવાના કારણે સવારે જેસીબીથી ખોદકામ કરી રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ત્રણ કિમી સુધી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ટ્રાફિક ધીમી ગતિએ ચાલતા સવારે કામ ધંધે જનારા લોકો અટવાઈ ગયા હતા. લોકોનું કહેવું હતું કે ટ્રાફિકથી વ્યસ્ત આ રોડ ઉપર આટલું મોટું ખોદકામ કરીને રીપેરીંગ કામ કરવું હોય તો રાત્રે કર્યું હોત તો વધુ સારું રહે. આ અંગે વિસ્તારના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર બાળુ સુર્વેના કહેવા મુજબ પાણીની 20 ઇંચ ડાયામીટરની મુખ્ય લાઈનમાં ભંગાણ થવાથી રીપેરીંગ માટે કામગીરી ચાલુ થઈ છે.
છ મહિનામાં આ બીજી વખત આ જ સ્થળે ભંગાણ પડ્યું છે. અગાઉ કયા પ્રકારનું રીપેરીંગ કર્યું કે ફરી વખત આ પરિસ્થિતિ ઉભી થઈ છે. જો અગાઉ રીપેરીંગ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી ન હોત આજે આ સ્થિતિ ન હોત4. અહીં બે દિવસથી લીકેજ હતું. આ લીકેજને લીધે અને રીપેરીંગ કામ ચાલુ કરવાથી વિસ્તારમાં આશરે 80,000 લોકોને પ્રેશરથી પાણી મળ્યું નથી. કોર્પોરેશન દ્વારા જ્યારે આવી મુખ્ય લાઈનનું રીપેરીંગ કરવામાં આવે છે, ત્યારે કોઈ પણ પ્રકારનું સુપરવિઝન રાખવામાં આવતું નથી. જેના લીધે કામગીરી બરાબર કોન્ટ્રાક્ટરો કરતા નથી.
કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે સ્કાડા સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા પાણીની લાઈનમાં ક્યાંય લીકેજ હોય તો તેની પણ જાણ થાય છે. જોકે અહીં બે દિવસથી લીકેજ હતું તો તેની જાણ ન થઈ એનો અર્થ કે આ સિસ્ટમ નકામી પુરવાર થઈ છે. અગાઉ જે ઇજારદારે કામગીરી બરાબર કરી ન હોય તેની સામે પગલાં લેવા જોઈએ. બીજી બાજુ આ વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટરે કહ્યું હતું કે, આ સ્થળે લીકેજની જાણ થતાં પ્રથમ અધિકારીઓને વાકેફ કરી રીપેરીંગ કામ શરૂ કરાવ્યું છે. કોઈ મોટું ભારદારી વાહન પસાર થવાથી તેના જર્ક ના કારણે લાઈનમાં ભંગાણ થઈ શક્યું હોય. લીકેજ કેટલું મોટું છે તેના આધારે રીપેરીંગ કામગીરી ચાલશે.