- અત્યાર સુધી સો-મિલ માટેના ફાયર સેફ્ટીના નીતિ નિયમોની જાણકારી અપાઇ નથી : વેપારીઓ
રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાલિકા દ્વારા શહેરમાં આવેલી 10 જેટલી સો-મિલને સીલ મારી દેવામાં આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે વેપારી એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સો-મિલોને મારવામાં આવેલા સીલ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ફાયર બ્રિગેડ અને પાલિકા તંત્રની કામગીરી બારેમાસ વડોદરા શહેરમાં ફાયરની ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવાનું છે, પરંતુ જ્યારે જ્યારે કોઈ મોટી ઘટના બને છે, ત્યારે પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી શરૂ કરાઇ છે. થોડા વર્ષો પહેલા તક્ષશિલા કાંડ બાદ રાજ્યભરના ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ કુંભકર્ણની નિંદ્રામાં સુઈ ગયેલા તંત્રને ફરી એકવાર રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા સો-મિલ એસોસિએશન દ્વારા પાલિકા પાસે નિયમોના પાલન કરાવવા માટે પૂરતો સમય માંગવામાં આવ્યો છે.
વડોદરા સો-મિલ એસોસિએશનના આગેવાન જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સો-મિલમાં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધાઓ હોય છે અને ત્યાં આગ જેવી ઘટના ઘટે તો કોઈ જાનહાનિ થાય તેવી શક્યતાઓ ખૂબ નહિવત હોય છે. સો-મિલમાં લાકડાનું કામ થતું હોય તેથી આગ લાગવી એ સ્વાભાવિક ઘટના છે, પરંતુ તેની માટે શું નીતિ નિયમોની જરૂરિયાત છે? તેની અત્યાર સુધી કોઈ માહિતી પાલિકા તંત્ર કે ફાયર બ્રિગેડ દ્વારા સો-મિલ માલિકોને આપવામાં આવી નથી. જ્યારે રાજકોટની ઘટના બાદ કાયદાનું પાલન કરાવવા નીકળેલા પાલિકા તંત્રએ પ્રથમ તપાસમાં જ સો-મિલના 10થી વધુ યુનિટો સીલ કરી દીધા છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે, પાલિકા જે કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવાનું કહેશે તે અમે વેપારીઓ કરવા માટે તૈયાર છે, પરંતુ અત્યાર સુધી પાલિકા કે ફાયર બ્રિગેડ દ્વારા કોઈ સો-મિલ માટેના ફાયર સેફ્ટીના નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી નથી. પાલિકા તંત્ર દ્વારા સો-મિલમાં કયા પ્રકારની ફાયર સેફ્ટી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવશે. તો 10 દિવસના સમયમાં તેની તમામ વ્યવસ્થાઓ સો-મિલ યુનિટના માલિકો દ્વારા કરવામાં આવશે તેવી બાંહેધરી વડોદરા સો-મિલ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા હાલ રાજકોટના અગ્નિકાંડ બાદ જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખોટી છે. અમોને સમય આપો, સમય મર્યાદામાં ફાયર સેફ્ટીની કાર્યવાહી કરવામાં ન આવે તો સીલ મારી શકે છે. હાલ સીલ ખોલવામાં આવે તેવી અમારી માગ છે.