- દબાણ શાખાએ લારીઓ, શેડ સહિતનો એક ટ્રક ભરીને સામાન જપ્ત કરતા વેપારીઓ અને દબાણ શાખાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું
શહેરના ન્યાયમંદિર શહિદ ચોક પાસેના પથ્થરગેટ રોડ ઉપરના સાઇકલ બજારનો પાલિકાની દબાણ શાખાએ વારો કાઢ્યો હતો. સ્થાનિક કાઉન્સિલરો સાથે પથ્થર ગેટ રોડ ઉપર રસ્તા ઉપર વેપારીઓ દ્વારા સાઇકલો, ટાયર મૂકી કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની કામગીરીથી નારાજ વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ચકચક પણ ઝરી હતી. જોકે, કોઇ અપ્રિય ઘટના બની નથી. પરંતુ, માહોલમાં ગરમાવો આવી ગયો હતો. પાલિકાની દબાણ શાખા દ્વારા 1 ટ્રક ભરીને લારીઓ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક પછી એક વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખા દ્વારા રસ્તા રેષામાં આવતા, લારી-ગલ્લા, શેડ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે પાલિકાની ટીમ દ્વારા ન્યાય મંદિર દૂધવાળા મોહલ્લા પાસેના અને તેની બાજુમાં આવેલા પથ્થરગેટ રોડ ઉપર આવેલા સાઇકલ બજારના વેપારીઓ દ્વારા કરવામાં આવલા દબાણો દૂર કર્યા હતા. અને અને નડતરરૂપ સામાન એક ટ્રક સામાન જપ્ત કર્યો હતો.
પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક કાઉન્સિલરો જાગૃતી કાકા સહિત અન્ય કાઉન્સિલરો જોડાય હતા. અને વેપારીઓને સાઇકલ-ટાયરો સહિતનો સામાન રોડ ઉપર ન મૂકવા માટે સમજાવ્યા હતા. દબાણ શાખા દ્વારા લારીઓ, શેડ સહિતનો સામાન કબજે કરતામાં વેપારીઓ અને દબાણ શાખાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓએ પોતાના બચાવમાં ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. જોકે, પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની નથી.
દૂધવાળા મહોલ્લાની બહાર ચ્હા-નાસ્તાની લારીઓ ઉપરાંત અન્ય દબાણરૂપ લારીઓ અને પથ્થરગેટ રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર સાઇકલોના વેપારીઓ દ્વારા દુકાનોની આગળના ફૂટપાથ ઉપર અને રોડ ઉપર સાઇકલો-ટાયરો મૂકતા હોવાથી રસ્તા ઉપરથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ થઇ જાય છે. અવાર-નવાર આ રોડ ઉપર નાના-મોટા અકસ્માતોની પણ ઘટનાઓ બનતા રહે છે.
પથ્થરગેટ રોડ ઉપર વાહન વ્યવાહરને થતી અડચણને લઈ મેયર, સ્થાનિક કાઉન્સિલરો તેમજ સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતોને લઈ આજે દબાણ શાખાની ટીમ સ્થાનિક વોર્ડ 13ના સ્ટાફ સાથે ન્યાયમંદિર પહોંચી હતી. અને મુખ્ય માર્ગ ઉપરના સાઇકલ સહિતના થયેલા દબાણો દૂર કરાવ્યા હતા. જેને લઈ વેપારીઓ એકઠા થઇ ગયા હતા. અને પોતાનો સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. દબાણ શાખા ટીમે દબાણ દૂર કરવાની કામગીરી દરમ્યાન 25 જેટલી સાઇકલ અને ટાયર સહિતની વસ્તુઓના દબાણ દૂર કર્યા હતા.