ડભોઇમાં વેપારીએ પતંગના વ્યવસાય માટે લીધેલા 10 હજાર સામે 20 હજાર ચૂકવ્યા, છતાં ધમકી આપી

વેપારી પાસે વ્યાજખોર રૂપિયા 30 હજારની માંગણી કરી ધમકી આપતો હતો

MailVadodara.com - Trader-in-Dabhoi-paid-20-thousand-against-10-thousand-taken-for-kite-business-though-threatened

- પોલીસે વ્યાજખોર સામે મની લોન્ડરીંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

ઉત્તરાયણમાં પતંગનો વ્યવસાય કરવા માટે 10 ટકાના વ્યાજે લીધેલા રૂપિયા 10 હજાર સામે રૂપિયા 20 હજાર ચૂકવવા છતા, વેપારી પાસે વ્યાજખોર રૂપિયા 30 હજારની માંગણી કરી ધમકી આપતો હતો. આ બનાવ અંગે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડભોઇમાં ચતુરભાઇની ચાલી મહુડી ભાગોળમાં કુલદીપ હિરાલાલ શર્મા (ઉં.વ.36) ડ્રાઇવીંગ કરે છે. અને પરિવારનું ગુજરાન ચલાવે છે, સાથે તેઓ તહેવારોમાં સીઝનલ વ્યવસાય પણ કરે છે. ઉત્તરાયણમાં પતંગોનો વ્યવસાય કરવા માટે ડભોઇમાં રેલવે ક્વાટર્સમાં રહેતા ઇમદાદહુસેન અબ્દુલકાદીર મકરાણી પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 10 હજાર લીધા હતા.

પતંગનો વેપાર કરવા માટે કુલદીપે વ્યાજે લીધેલા 10 હજારની સામે 10 ટકા વ્યાજ પ્રમાણે રૂપિયા 20 હજાર ઇમદાદહુસેનને ચૂકવી દીધા હતા. આમ છતાં, તેઓ અવાર-નવાર ઉઘરાણી કરતા હતા. ઉપરાંત 10 હજાર વ્યાજે આપ્યા હતા. તે સમયે કુલદીપ પાસેથી કોરો ચેક પણ સિક્યુરીટી પેટે લીધો હતો. તે ચેકમાં રૂપિયા 30 હજાર રકમ ભરીને પત્ની રહેમતબાનુના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધો હતો.

કુલદીપના બેંક એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાના કારણે રૂપિયા 30 હજારનો ચેક રિટર્ન ગયો હતો. ચેક રીટર્ન ગયા બાદ વ્યાજખોર ઇમદાદહુસેને મુદ્દલ તેમજ વ્યાજની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ, કુલદીપ પાસે નાણાં ન હોય અને તેઓએ મુદ્દલ સાથે રૂપિયા 20 હજાર ચૂકવી દીધા હોવાથી આપતો ન હતો. આથી વ્યાજખોર ઇમદાદહુસેને કુલદીપ સામે કોર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ કરી ધમકીઓ આપતો હતો.

અવાર-નવાર ઉઘરાણી અને ધમકીઓથી ત્રસ્ત થઇ ગયેલા કુલદીપ શર્માએ આખરે ડભોઇ પોલીસ મથકમાં વ્યાજખોર ઇમદાદહુસેન મકરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર સામે મની લોન્ડરીંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ પોલીસમાં વ્યાજખોર ઇમદાદહુસેન મકરાણી સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

Share :

Leave a Comments