- જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે, ગાઈડલાઈનને અનુસરીને મંજૂરી આપવામાં આવી
વડોદરા શહેરમાં આવેલા કમાટીબાગમાં હજારો સહેલાણીઓ રોજબરોજ મુલાકાતે આવતા હોય છે અને જોય ટ્રેનનો આનંદ માણતા હોય છે. આ જોય ટ્રેન હરણી બોટ દુર્ઘટના બાદ બીજા દિવસે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને આવતીકાલથી સહેલાણીઓ માટે ફરી શરૂ થતાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે ટૂંક સમયમાં વેકેશન પડશે ત્યારે મોટી સંખ્યામાં બાળકો અને સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે તેઓ માટે ખુશીના સમાચાર સામે આવતા જોય ટ્રેન સંચાલકો 2 મહિનાથી વધુ સમયથી બંધ પડેલ ટ્રેનની સાફ સફાઈ શરૂ કરી છે.
વડોદરા શહેરનું કમાટીબાગ સહેલાણીઓ માટે આગવું પર્યટક સ્થાન ધરાવે છે. અહીં રોજે રોજ હજારો સહેલાણીઓ મુલાકાતે આવતા હોય છે. હરણી બોટ દુર્ઘટના બાદ તમામ રાઈડ પર સરકારે ફિટનેસ સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજ સિવાય ચાલુ ન કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જો કે હરણી બોટ દુર્ઘટનાને આજે અઢી મહિનાનો સમય થયા બાદ હવે ફરી જોય ટ્રેન કમાટી બાગમાં ટ્રેક પર દોડતી નજરે પડશે.
જોય ટ્રેન 15 વર્ષ માટે પીપીપી ધોરણે આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ છે. આ જોય ટ્રેનમાં 144 વ્યક્તિ બેસી શકે તેટલી કેપિસિટી છે અને 2 કિલોમીટરનો ટ્રેક છે. જોય ટ્રેન સિવાય નાની રાઈડ કે જેમાં કોઈ મશીનરી નથી તે પણ બંધ કરી દેવામાં આવી હતી. જોકે તેને પણ ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. નાની રાઈડમાં બાઉન્સી જમ્પિંગ જેટ, બંપિંગ કાર અને બંજી જંપિંગ જેવી નાની રાઈડ આવેલી છે. જેમાં બાળકો ખૂબ આનંદ માણતા હોય છે.
આ અંગે જોય ટ્રેન સંચાલન કરનાર મેનેજર હિમાંશુ સોનીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી જોય ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ છેલ્લા કેટલાક સમયથી બંધ હતી અને આવતીકાલથી શરૂ થતાં સહેલાણીઓ માટે સારા સમાચાર છે. અમે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે અને મંજૂરી મળતા આજે સાફ સફાઈ અને જરૂરી મેન્ટેનન્સ બાદ આવતીકાલથી શરૂ કરીશું.
આ અંગે પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિકારી ડૉ. મંગેશ જયસ્વાલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલથી જોય ટ્રેન શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવતા મંજૂરી આપવામાં આવી છે. આ માટે સમયસર ઇન્ફેક્શન, ટ્રેક ફિટનેસ અને એન્જીન ફિટનેસ ચકાસણી સમયસર કરવામાં આવે તે ગાઈડલાઈનને અનુસરીને મંજૂરી આપવામાં આવી છે.