આજે શ્રાવણનો છેલ્લો શનિવાર ઃ હરણી ભીડભંજન મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર, અહીં મેળો પણ ભરાય છે

સ્કંધ પુરાણમાં ભીડભજંન મંદિરનો મંદિરનો ઉલ્લેખ છે, અરણીનું અપભ્રંશ થઈને હરણી નામ પડ્યું

MailVadodara.com - Today-is-the-last-Saturday-of-Shravan-Harani-Bhidbhanjan-temple-is-thronged-with-devotees-since-early-morning

- મુસ્લિમ રાજાઓથી મંદિરને લૂંટતું બચાવવા જે તે સમયના મહંત-સાધુઓએ ભીડભંજન મંદિરના ઘુંમટને મસ્જિદ જેવો આકાર આપ્યો હતો, આજે પણ મંદિરનો આ ઘુંમટ મસ્જિદ જેવો દેખાઈ છે


વડોદરા શહેરના હરણી ગામમાં સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રાવણનો આજે છેલ્લો શનિવાર છે. ત્યારે અહીં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આજના વિશેષ દિવસે અહીં મેળો યોજાય છે. આ મેળામાં આસપાસનાં ગામડાં અને શહેરમાંથી લાખો લોકો હનુમાનજીના દર્શન કરવા માટે આવતા હોય છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરાયેલા ભીડભંજન મારુતિ મંદિરનો ઇતિહાસ અતિ પૌરાણિક છે. આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર હોવાથી ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.


શહેરના હરણી ખાતે આવેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જૂનો છે. હરણી ભીડભજંન હનુમાનજીના મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણના ઉત્તર ખંડના વિશ્વામિત્ર માહાત્મ્યમાં દર્શાવ્યું છે. હાલ જે જગ્યાએ હરણી ગામ વસેલું છે. ત્યાં અરણીનું જંગલ હતું. અરણીના ઝાડ નીચે હનુમાનજી બિરાજ્યા, તે દિવસથી અરણીના હનુમાન તરીકે પ્રખ્યાત થયા. વર્ષો સુધી લોક મુખે અરણીના શબ્દનું અપભ્રંશ થઈને હરણી નામ પડ્યું. સ્કંધ પુરાણમાં જણાવ્યા અનુસાર, હરણીના હનુમાનજીને જે તેલ વડે સ્નાન કરાવશે તેની તમામ મનોકામના પૂરી કરી હનુમાનજી રક્ષણ કરશે. આજના વિશેષ દિવસે ભક્તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોએ કરેલી ભક્તિમાં રહેલ ક્ષતિને આજના દિવસે દૂર થાય છે તેવી માન્યતા રહેલી છે.

આજના વિશેષ દિવસ અંગે મંદિરના મહંત રોહિત ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવાથી વર્ષો વર્ષથી અહીં મહત્વ એટલા માટે હોય છે કે, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિમાં કોઈપણ ખોટ આવેલી હોય તો છેલ્લા શનિવારે તેની ભક્તિ પરિપૂર્ણ થાય છે. એટલા માટે આજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને આજુબાજુ રાજ્યમાંથી પણ ભક્તો દર્શનાથે આવે છે. ભીડભંજન હનુમાનજીની એવી અસીમ કૃપા છે કે વર્ષો વરસથી બિરાજમાન આ હનુમાનજીનો મહિમા ખૂબ અલગ છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાથે શિવ ભક્તો પણ અહીં આવેલા મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. હનુમાનજી તો શિવજીના અજ્ઞામાં રુદ્ર છે. તેને ધ્યાનમાં લઈને હનુમાનજીને અભિષેક કરતા બતાવવામાં આવ્યા છે. આજના દિવસે શ્રાવણ માસ હોવાથી ભગવાન શિવનો મહિમા છે તો સાથે હનુમાનજી મહારાજનો શનિવાર છે, એટલે બંનેનો સમન્વય થયો છે. ભક્તો શ્રદ્ધા અને ભક્તિ માટે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.


ખાસ કરીને આજના વિશેષ દીને ભરાતો મેળામાં ટ્રાફિક ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લોકોની સુવિધા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને કેટલીય ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે. આ મેળાનો ખૂબ લાભ મળ્યો હોય છે.


પહેલાના સમયમાં અમૂલ્ય સંપદા લૂંટી લેવામાં આવતી હતી. ત્યારે મુસ્લિમ રાજાઓથી મંદિરનું રક્ષણ કરવા માટે જે તે સમયના મહંત તેમજ સાધુઓએ ભીડભંજન હનુમાનજીના મંદિરના ઘુંમટને મસ્જિદ જેવો આકાર આપ્યો હતો. જેથી કોઈ મુસ્લિમ રાજાને આ મંદિર દૂરથી મસ્જિદ જેવું લાગતું હોવાથી ક્યારેય આ મંદિરને નુકસાન થયું ન હતું. આજે પણ આ મંદિર પરિસરમાં આવેલ મંદિરના ઉપરના ભાગે ઘુંમટ મસ્જિદ આકાર દેખાઈ રહ્યો છે. જે એક પૌરાણિક કથા સાથે સંકળાયેલા નમૂનાઓ માનો એક છે.

Share :

Leave a Comments