- અંગારિકા ચોથ કરવાથી ૨૧ ચોથ કરવા જેટલું ફળ મળે છે
વડોદરા શહેરના ભાવકાલે ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું સવારે કેસર સ્થાન ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી.
આજે ત.25 જૂન અને મંગળવારના રોજ કૃષ્ણ ચતુર્થી આવતી હોવાથી આ સંયોગને અંગારકી ચતુર્થી કહેવાય છે. અંગારકી ચોથ કરવાથી 21 ચોથનું ફળ પ્રાપ્ત થાય છે. મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે, આજે અંગારક સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્ન કરે છે.
મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુ:ખ દૂર થાય છે. દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ‘ગણેશયાગ’ કરશે. એટલું જ નહીં ગણેશ ઉપાસકો ‘ગણપતિ અથર્વશીર્ષ’, ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરશે.
ઉલ્લેખનિય છે કે, અંગારકી ચતુર્થીના દિવસે શ્રીમંત એસ.વી.પી.સી ટ્રસ્ટ દ્વારા આશીર્વાદ ગણેશજીને સંધ્યાકાળે 6:30 થી 11 કલાકે આંબાવાડીનો મનોરથ કરવામાં આવશે. જ્યારે ચંદ્રોદયનો સમય 10:28 કલાકનો રહેશે. આશીર્વાદ ગણેશજીનો મહાઅભિષેક સવારે 4:30 કલાકે થશે. જ્યારે મહાઆરતીનો સમય 10:33 કલાકે યોજાશે.