- વડોદરા કોર્પોરેશન દ્વારા આજે પોઇચા કુવા ખાતે જનરેટર સેટ ફીટ કરાશે
- પોઇચા બાદ ખાનપુર, ફાજલપુર, રાયકા અને દોડકા કુવા ખાતે પણ ડીઝલ જનરેટર મુકાશે, હાલ સિંધરોટ ખાતે ડીઝલ જનરેટરની સુવિધા છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મહી નદી સ્થિત ચાર ફ્રેંચ કુવા ફાજલપુર, રાયકા, દોડકા અને પોઇચાથી પીવાના પાણીનો જથ્થો મેળવે છે. આ ફ્રેન્ચ કુવા ખાતે જ્યારે પણ વીજ પુરવઠો ગુલ થાય છે, ત્યારે પંપો બંધ થતા શહેરમાં પાણીનો કકળાટ થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા કોર્પોરેશન ડીઝલ જનરેટર સેટની સુવિધાઓ ઉભી કરી રહ્યું છે. જેમાં આજે પોઇચા કુવા ખાતે ડીઝલ જનરેટર સેટ તથા તેને સલગ્ન ઈલેક્ટ્રીક એસેસરીઝની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને લીધે પંપો બંધ રહેવાથી પોઇચા કુવા થી પાણી મેળવતી પાંચ છ ટાંકી હેઠળના વિસ્તારોને આજે સાંજે અને કાલે સવારે પાણી પણ મળવાનું નથી. પોઇચા કુવાની કામગીરી પૂરી થયા બાદ કોર્પોરેશન ખાનપુર, ફાજલપુર, રાયકા અને દોડકા કુવા ખાતે પણ ડીઝલ જનરેટર સેટની સુવિધા ઉભી કરશે. સિંધરોટ ખાતે ડીઝલ જનરેટર સેટની વ્યવસ્થા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરોક્ત ચાર ફ્રેંચ કુવા તેમજ દોડકા ઇન્ટેકવેલ, દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રાત દિવસ પમ્પો ચલાવીને આશરે 400 એમએલડી પાણીનો જથ્થો મેળવે છે. પંપો ચલાવવા વીજ નિગમ પાસેથી વીજ પુરવઠો મળે છે, પરંતુ ચોમાસામાં ભારે વરસાદ, વાવાઝોડું કે અન્ય કારણથી વીજ પુરવઠો બંધ રહે છે ત્યારે તકલીફ ઊભી થાય છે. લાઈટ ન હોવાથી પંપો બંધ રહેતા પાણી મળતું નથી. અહીં ડીઝલ જનરેટર સેટની સુવિધા ઉભી કરવા ઘણા સમયથી કોર્પોરેશનનું તંત્ર વિચારાધીન હતું. જો જનરેટર સેટની સુવિધા હોય તો લાઇટ બંધ રહેવાના પ્રસંગે તે ચલાવીને પાણી પુરવઠો ચાલુ રાખી શકાય. જેથી ચારેય ફ્રેન્ચ કુવા અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જનરેટર સેટ ખરીદવા તેને લગતી બીજી જરૂરી કામગીરી તથા પાંચ વર્ષના મેન્ટેનન્સ માટે અગાઉ બે વખત ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં 7.97 કરોડના અંદાજ સામે 46.99 ટકા વધુ ભાવનું 11.72 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.