- બીજા બનાવમાં ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ધૂસી જતા અકસ્માત, ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો
શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજના વડોદરા-સુરત સર્વિસ રોડ ઉપર ટાઈલ્સ ભરીને જઈ રહેલા ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સવાર 18 વર્ષનો ક્લિનર ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ દરજીપુરા ફાયરબ્રિગેડને થતાં ફાયર ફાઈટર સાથે જવાનો પહોંચી ગયા હતા. ટેમ્પોમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી, ટેમ્પોની આગ બૂઝાયા બાદ કેબિનમાં ભડથું થઈ ગયેલા ક્લિનરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં ડ્રાઈવર સમયસૂચકતા વાપરી કૂદી જતાં આબાદ બચાવ થયો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં ગોલ્ડન બ્રિજ ઉપર ડમ્પરમાં ટ્રક ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં ફસાઇ ગયેલા ચાલકને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આજે વહેલી સવારે ગોલ્ડન બ્રિજના વડોદરા-સુરત સર્વિસ રોડ ઉપર ટાઈલ્સ ભરેલા ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી. ટેમ્પોની અંદરની બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા જ ટેમ્પો ડ્રાઈવર હિમાંશુ પાઠક સમયસુચકતા વાપરી કૂદી પડ્યો હતો. પરંતુ, ટેમ્પોના કેબિનમાં નિંદ્રાધિન 18 વર્ષનો ક્લિનર મૃગેશ નિનામા (રહે. શંકરપુરા, ભાનગઢ રોડ, મધ્યપ્રદેશ) આગમાં ભડથું થઈ ગયો હતો. ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે, આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિક લોકોએ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા દરજીપુરા ફાયરબ્રિગેડના નગીનભાઈ રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ટેમ્પોમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બાદમાં કેબિનમાં ભડથું થઈ ગયેલા યુવાન ક્લિનરનો મૃતદેહ બહાર કાઢી સ્થળ પર આવી પહોંચેલી હરણી પોલીસને સોંપ્યો હતો.
વહેલી સવારે બનેલા આ બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ સર્વિસ રોડ ઉપર બન્યો હોવાના કારણે હાઈવે ઉપરના ટ્રાફિક વ્યવહાર ઉપર કોઈ અસર થઈ નહોતી. આ બનાવ અંગે હરણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી બ્રિજ ઉપર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળ ટ્રક ધડાકાભેર ઘૂસી જતાં ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલક શફીભાઈ મલેકને ફાયરબ્રિગેડેના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવને પગલે થોડા સમય માટે બ્રિજ ઉપર ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે, અકસ્માતનો ભોગ બનેલા વાહનોને દૂર કરી દેવાતા વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો હતો. આ બનાવ અંગે હરણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.