ક્રિપ્ટો કરન્સીમાં જુદી જુદી ઓફરો આપી રોકાણના બહાને ઠગોએ મહિલાના 17 લાખ રૂપિયા પડાવ્યા

સમા વિસ્તારમાં રહેતા ભાવનાબેન મિસ્ત્રીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Thugs-extorted-17-lakh-rupees-from-a-woman-on-the-pretext-of-investment-by-giving-different-offers-in-crypto-currency

શહેરની પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાની એક સેવિકાને ઓનલાઇન ઠગોએ ભોળવીને રૂપિયા ૧૭ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ભાવનાબેન મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે, તા.૨૦મી મે એ મને એચસીએલ સોફ્ટવેર કંપનીના ગ્રુપમાં જોઇન કરવામાં આવી હતી. મને ઘેરબેઠા કમાવા ભારતના ખ્યાતનામ સ્થળોના રિવ્યૂ લખવા માટે ટાસ્ક આપી ડિપોઝિટ પેટે રૂપિયા ૨૦૦૦, રૂપિયા ૯૦૦૦ અને રૂપિયા ૧૧ ૦૦૦ ભરાવ્યા હતા. જેની સામે મને રૂપિયા ૩૧ હજાર મળ્યા હતા. ત્યારબાદ હું ગ્રુપમાંથી સ્વેચ્છાએ નીકળી ગઇ હતી. પરંતુ મને માયા નામની યુવતીએ ફોન કરી સતત દબાણ કરીને ફરીથી વીઆઇપી ગ્રુપમાં એડ કરી હતી. જેમાં માત્ર ચાર જ મેમ્બર હતા. મને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે જુદીજુદી ઓફરો આપવામાં આવી હતી. મારા ગ્રુપના મેમ્બર્સ તેમની કમાણીના સ્ક્રીનશોર્ટ મુકતા હતા. જેથી મને વિશ્વાસ આવ્યો હતો.

મહિલાએ વધુ કહ્યું છે કે, મારું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. જેમાં મારા ઇન્વેસ્ટમેન્ટની સામે બેલેન્સ દેખાતું હતું. મેં નાનપણથી કરેલી બચત અને એફડીના રૂપિયા ૧૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેની સામે રકમ ઉપાડી શકાતી નહતી. જેથી મારી સાથે ફ્રોડ થતાં સાયબર સેલને ફરિયાદ કરી હતી.

Share :

Leave a Comments