- આરોપી ચોરીની કારનો ઉપયોગ કરી બંધ દુકાન અને મકાનમાં ચોરી કરતો હતો
વડોદરામાં બનાવટી આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સના આધારે ફોરવ્હીલ ભાડે મેળવી ભેજાબાજો ઠગાઈ આચારી અન્ય ગુનામાં તેનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈના ગુનામાં, ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખસની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સેલ્ફ ડ્રાઈવિંગની ઓફિસેથી ખોટા પૂરાવા આપી કાર ભાડે મેળવી હતી. બાદમાં બંધ મકાનમાં અને દુકાનમાં પણ ચોરી કરી હતી. તેમજ વાહનની ચોરી કરી હોવાનું પણ ખુલ્યું છે.
શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં 26 માર્ચના રોજ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ફોરવ્હીલ સેલ્ફ ડ્રાઇવિંગની ઓફિસમાં નોકરી કરે છે. 6 માર્ચના રોજ એક અજાણ્યો શખસ ફરિયાદીની ઓફિસે આવ્યો હતો અને 15 દિવસ માટે સેલ્ફ ડ્રાઈવિંગ માટે ગાડીની જરૂર છે તેવું જણાવ્યું હતું. બાદમાં આરોપીએ ટોયોટો અર્બન ક્રુઝર કાર (કિંમત રૂ. 5,50,000) ભાડા પર લઈ જવા પસંદ કરી હતી. આરોપીએ ઓળખ અંગેના આધાર પૂરાવા તરીકે ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ અને મોબાઇલ નંબર આપી ફરીયાદીનો વિશ્વાસ કેળવી કારનું બે દિવસનું ભાડુ ચૂકવી દીધું હતું. બે દિવસ બાદ બીજા નાણાં ચૂકવી આપવાનું જણાવી કાર મેળવી લીધી હતી. બાદમાં ફરીયાદીએ બે દિવસ બાદ આરોપીને વારંવાર ફોન કરતા આરોપીએ ફોન અને કારનું GPS બંધ કરી દીધું હતું. આરોપીએ આપેલા ઓળખના દસ્તાવેજી પૂરાવા તપાસ કરતા બનાવટી હોવાનું સામે આવતા આખરે હરણી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમિયાન ઠગાઈના અનડિટેક્ટ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે ટેકનિકલ, હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. બાદમાં આ ગુનામાં સંડોવાયેલા સાહિલ સાજીદઅલી શેખ (ઉં.વ. 24 રહે. ગંગાબાઈ કબ્રસ્તાન, પ્રતાપનગર, વડોદરા)ની સંડોવણી સામે આવી હતી. સાહિલને માંજલપુર તુલસીધામ ચાર રસ્તા ખાતેથી ધરપકડ કરી પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
સાહિલ શેખે પોલીસને જણાવ્યું હતું કે, પોતે ઘરફોડ ચોરીની ગેંગ સાથે મળી ઠગાઈના ગુનામાં સાગરીત સાથે સંડોવાયેલો છે. તેમજ ઘરફોડ ચોરીની ગેંગ સાથે મળી ઘાંઘરેટીયા ખાતેથી મારૂતી ઈકો કારની ચોરી કરી હતી. આ કારનો ઉપયોગ કરી સુલ્તાનપુરા ખાતે બંધ દુકાનમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. આ અંગે મકરપુરા અને વાડી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના તેમજ રાત્રિ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી સાહિલ શેખ દ્વારા હરણી, મકરપુરા, વાડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ડિટેક્શન કરવામાં આવ્યું છે. સાથે આરોપીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો સાહિલ અગાઉ ત્રણ વખત પ્રોહિબીશનના ગુનામાં તેમજ મારામારીનો એક ગુનો મળી 4 ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.