- સ્કૂલ રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ નીચે દબાઇ ગયા, બાળકોને નાની-મોટી ઇજા પહોંચી
- તેલના ડબ્બા ભરેલો થ્રી-વ્હિલર ટેમ્પો પણ પલ્ટી ગયો
વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષા અને થ્રિ વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષા સાથે થ્રિ વ્હિલર ટેમ્પો ધડાકાભેર ટકરતા રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ દબાયા હતા. આ ઘટનામાં તાત્કાલિક સ્થાનિકો દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં સદનસીબે બાળકોને કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી છે. ઈજાથી કણસતા બાળકો રડી પડ્યા હતા.
શહેરના આરાઘના ટોકીઝ પાસેથી પસાર થતા ખાસવાડી સ્મશાન રોડ પર ઘટના બની હતી. આ ઘટનામાં સ્કૂલના બાળકોને રિક્ષામાં બેસાડી જવાની તૈયારી હતી. એ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા થ્રી-વ્હિલર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. ટેમ્પોની ટક્કર લાગતા બાળકો ભરેલી રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. સ્કૂલ રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ નીચે દબાયા હતા. આથી વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા પહોંચી છે. અકસ્માત કરનાર ટેમ્પો પણ પલ્ટી ખાઇ ગયો હતો. જેમાં મોટા પ્રમાણમાં તેલના ડબ્બા ભરેલા હતા. અકસ્માતના પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા બાળકોને બચાવ્યા હતા. આ બનાવને લઈ ટેમ્પોચાલક નશામાં હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આ અકસ્માત કરનાર ટેમ્પો ચાલક સામે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે સ્થાનિક અને વિદ્યાર્થીના વાલી પુષ્પાબેને વસાવાએ જણાવ્યું હતું કે, સ્કૂલની રિક્ષાવાળા ભાઈ આવીને ઊભા હતા અને પાછળથી ટેમ્પો ઘૂસી ગયો હતો. આ ટેમ્પો ચાલક દારૂ પીધેલો હતો અને સ્પીડમાં હતો, જેથી રિક્ષા પલટી ખાઇ ગઈ હતી. આ બધા જ બાળકો ગભરાય ગયા હતા અને બાળકોને નાની-મોટી ઇજા થઈ છે.
આ અંગે પ્રત્યક્ષ જોનાર નાનાભાઈએ જણાવ્યું હતું કે, હું બાઈક લઈને સામે જ ઉભો હતો અને રિક્ષામાં સ્કૂલના બાળકો બેસતા હતા. પાછળથી ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા અચાનક રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. ટેમ્પો પણ પલટી મારી ગયો હતો. આ ટેમ્પો ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે અને તેને પોલીસ લઈ ગઈ છે.