વડોદરાની MSUની બોયઝ હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા, વીડિયો વાઇરલ

કેટલાક વિદ્યાર્થીઓ ચહેરો છુપાવતા તો કેટલાક બિનધાસ્ત દારૂની પાર્ટી કરતા દેખાયા

MailVadodara.com - Three-students-caught-drinking-alcohol-in-Vadodaras-MSU-boys-hostel-video-goes-viral

- યુનિવર્સિટી તંત્ર દ્વારા દારૂની મહેફિલને લઇને તપાસ શરૂ કરવામાં આવી


વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીને ફરી એકવાર કલંક લાગ્યું છે અને યુનિવર્સિટીનું તંત્ર દોડતુ થઇ ગયું છે. શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલના MM મહેતા હોલમાં દારૂની પાર્ટી કરતા 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો છે. જોકે, શહેરની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ અને દારૂની બોટલો પકડાવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે, ત્યારે આજે ફરી એકવાર દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમ નં-34 દરવાજો ખોલે છે અને તેમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો છુપાવતા દેખાય છે અને કેટલાક વિદ્યાર્થીઓ બિનધાસ્ત દારૂની પાર્ટી કરતા દેખાય છે. હવે આ સમગ્ર મામલો કમિટી સમક્ષ જશે અને કમિટી વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરશે.


સંસ્કારી નગરીની બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલની ઘટના સામે આવતા યુનિવર્સિટી સત્તાધિશો દોડતા થઈ ગયા છે. જોકે, દારૂની મહેફિલ માણતા 3 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ MM મહેતા હોલના ઇન્ચાર્જ વોર્ડન રાજનારાયણ શર્મા હોસ્ટેલમાં દોડી ગયા હતા અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અત્યારે વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા અને વિદ્યાર્થીઓ આવ્યા પછી તેમની પૂછપરછ કરવામાં આવશે.


આજે MM મહેતા હોલના રૂ નં-34માં વિદ્યાર્થીઓ પાર્ટી કરતા હોવાની માહિતી મળતા હું દોડી ગયો અને આ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાનો રિપોર્ટ યુનિવર્સિટીની કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને કમિટી વિદ્યાર્થીઓ સામે શું એક્શન લેવા તે નક્કી કરશે. તેમજ બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. જો કે, યુનિવર્સિટી તંત્ર દ્વારા દારૂની મહેફિલને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવશે, તેમ MM મહેતા હોલના ઇન્ચાર્જ વોર્ડન રાજનારાયણ શર્માએ જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં દારૂની મહેફિલ પકડાઈ હોવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગત વર્ષે એમ. એમ. હોલમાં દારૂ-ચિકનની પાર્ટી કરતા 12 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કાયમ માટે હકાલપટ્ટી કરાઇ હતી, ત્યારે હાલ તો આ વીડિયો, દારુ અને વિદ્યાર્થીઓનું ભાવિ પર કમિટી શું નિર્ણય અથવા પગલાં લેશે તે જોવું રહ્યું.

Share :

Leave a Comments