સુરતના એક કાર ચાલકને વડોદરા અને અમદાવાદ મુસાફરીના બહાને કાર ભાડે રાખી દુમાડ ચોકડી પાસે કાર ઉભી રખાવી ચાલકની નજર ચૂકવી ત્રણ ગઠિયા કાર ચોરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુરતના પલસાણા ખાતે અષ્ટવિનાયક રેસીડેન્સીમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરતા દિલીપકુમાર નંગલિયાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ૧૧ માર્ચના રોજ હું મારી ઇક્કો કાર સાથે વાપી ગયો હતો. જ્યાંથી પરત ફરત સમયે મારા પરિચિત રીક્ષા ચાલક ગણેશ મદનસિંગ (રહે. કડોદરા, સુરત)એ ફોન કરી કાર લઈને વડોદરા જવાનું છે, તેમ કહી રૂ.4000 માં ભાડું નક્કી કર્યું હતું.
આ વખતે તેની સાથે પવન કુમાર અને બિરેન્દ્ર ઉર્ફે પ્રેમ નામના બીજા બે શખ્સ પણ કારમાં બેઠા હતા. સાંજે અમે વડોદરા આવ્યા ત્યારે ગણેશે મને વડોદરા નહીં પણ અમદાવાદ જવું છે, તને તારું ભાડું મળી જશે. તેમ કહી અસલાલી ખાતે લઈ ગયા હતા. જ્યાં મોડી સાંજે તેઓ એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગયા હતા અને 10 મિનિટમાં પાછા આવ્યા હતા.
કારચાલક દિલીપ કુમારે પોલીસને કહ્યું છે કે, અમદાવાદથી પરત ફરતા હતા ત્યારે ગણેશે મને કહ્યું હતું કે વડોદરાની દુમાડ ચોકડી પાસે તેઓનો એક સંબંધી આવે છે તેમને કારમાં લેવાનો છે. જેથી અમે તા. 12મી એ વહેલી સવારે દુમાડ ચોકડી પાસે આવીને ઉભા હતા.
હું ડ્રાઇવિંગ કરીને થાક્યો હોવાથી નીચે ઉતરીને આંટા મારતો હતો તે દરમિયાન ગણેશ અને તેના સાગરીતો કાર લઈને ભાગી છુટ્યા હતા. જેથી અમે વડોદરા શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. ત્યારબાદ હું સુરત ગયો હતો અને ગણેશનો સંપર્ક કરતા તેને ફોન બંધ કરી દીધો છે. જેથી સમા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે.