- વિદ્યાર્થીઓને આગામી ખેલમહાકુંભ અને ઓલીમ્પિક સ્પર્ધાઓમાં ભાગ લેવા તૈયાર કરાશે
- રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી આપી સન્માનિત કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શાળા રમતોત્સવ આજથી ત્રણ દિવસ માટે શરૂ થયો છે. આજે સવારે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો. પ્રારંભમાં વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ, યોગનિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તારીખ 26 ના રોજ ગર્લ્સની, તારીખ 27 ના રોજ બોયઝની રમત થશે. તારીખ 28 ના રોજ બોયઝ અને ગર્લ્સ બંનેની વિજેતા ટીમોની રમતો યોજાશે. શિક્ષણ સમિતિની શાળાઓના આશરે 3860 બાળકો આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 1,830 બોયઝ અને 1830 ગર્લ્સ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 280 શિક્ષકો પણ રમતગમતમાં ભાગ લેશે. જ્યારે માધ્યમિક શાળાઓના 150 શિક્ષકો અને વિદ્યાર્થીઓ રમતગમતમાં જોડાશે. વ્યક્તિગત રમતમાં દોડ, બેડમિન્ટન, ગોળા ફેંક, ચક્ર ફેક ,લાંબી કુદ, ઉંચી કુદ વગેરે જેવી રમત રમાશે. સાંધીક રમતમાં કબડ્ડી, લંગડી, વોલીબોલ, રસ્સાખેચ જેવી રમત રમાશે. બોયઝ કેટેગરીમાં બેસ્ટ દેખાવ કરનારને વીર બાળ પુરસ્કાર અને ગર્લ્સને વીરબાળા પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને સયાજી ટ્રોફી એનાયત કરવામાં આવશે.
શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંઘ ભાવના, શિસ્ત જેવા ગુણોના વિકાસ માટે બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. બાળ રમતોત્સવમાં વિદ્યાર્થીઓ પોતાની શાળા કક્ષાએ, ત્યારબાદ સી.આર.સી કક્ષાએ વિજેતા બની સમિતિ કક્ષાએ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સમિતિ દ્વારા ટ્રેક, ટીશર્ટ વગેરે આપવામાં આવેલ છે. સમિતિ કક્ષાના રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરને 1000, બીજા નંબરને 750 અને ત્રીજા નંબરે આવનારને 500 રૂપિયા અપાશે.
આ ઉપરાંત સાંધિક રમતોમાં વિદ્યાર્થી દીઠ 500 આપવામાં આવનાર છે.આ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખેલમહાકુંભ અને ઓલીમ્પિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવનાર છે. રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી અને ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવે છે. આ શાળા રમતોત્સવ ૨૦૨૪-૨૫ ઉદ્ઘાટન પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા ના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈ, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો તેમ જ શાળાના શિક્ષક શિક્ષિકાઓ તથા બાળકો માંજલપુર વિસ્તારના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.