- દારૂ-બિયરની 338 નંગ બોટલો સહિત 5.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરની પીસીબી પોલીસની ટીમ બિલ કેનાલ રોડ ખાતેના પરમ ઓરબિટમાં બાજ ગોઠવી મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો કારમાં આપવા આવેલ બે કેરીયરો સહિત વડોદરાના બુટલેગરને રૂપિયા 3,46,192ની કિંમતની દારૂ બિયરની 338 નંગ બોટલો સાથે ઝડપી પાડી 5.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીસીબી પોલીસ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, અટલાદરા પાણીની ટાંકી પાસેના માધવ નગરમાં રહેતો અજય ગાયકવાડ મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી બિલ કેનાલ રોડ ઉપર પરમ ઓરબીટ ખાતેના પોતાના ભાડાવાળા મકાનમાં રાખી વેચાણ કરે છે. અને વિશાલ રાજેશ ડામોર તથા રિતેશ બાબુ ડામોર (બંને રહે -મધ્યપ્રદેશ) કારમાં દારૂનો જથ્થો ડિલિવરી આપવાના છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 3,46,192ની કિંમતની દારૂ બિયરની 338 નંગ બોટલો, બે મોબાઈલ ફોન, કાર તથા રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 5,58,212નો મુદ્દામાલ કબજે કર્યો હતો.