- પકડાયેલા આરોપી ઉંમર ફારુક સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરીના નવ તેમજ અબ્દુલ વહાબ સામે ત્રણ ગુના નોંધાયાનું જાણવા મળ્યું
શહેર નજીક આવેલા દુમાડ ચોકડી પાસે પાર્ક કરેલી એક ટ્રકમાંથી લાખો રૂપિયાના વેલ્ડીંગ રોડની ચોરી કરવાના કિસ્સામાં ગોધરાની તાડપત્રી ગેંગના સભ્ય સહિત ત્રણની જિલ્લા પોલીસે ધરપકડ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેરના લહેરીપુરા રોડ પર આવેલી ભારત ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા વેપારીએ રાજસ્થાનથી વેલ્ડીંગના રોડનો મોટો જથ્થો મંગાવ્યો હતો. વેલ્ડીંગ રોડ ભરેલી ટ્રક વડોદરા નજીક આવી પરંતુ વડોદરામાં ભારે વરસાદ અને પાણી ભરાયેલા હોવાના કારણે શહેરમાં પ્રવેશી નહીં શકતા દુમાડ ચોકડી પાસે પાર્ક કરી હતી. દરમિયાન મોડી રાત્રે આ ટ્રકની બાજુમાં એક અન્ય ટ્રક ઉભી રહી હતી અને તાડપત્રી કાપીને અંદરથી 4.10 લાખ રૂપિયાની કિંમતના વેલ્ડીંગ રોડની ચોરી કરી તાડપત્રી ગેંગ ફરાર થઈ ગઈ હતી.
આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એવી માહિતી મળી હતી કે ચોરીનો કેટલોક સામાન એક રીક્ષા ચાલક ઈમ્તિયાઝ શબ્બીરખાન શેખ પાસે છે જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે એવી કબુલાત કરી હતી કે વેલ્ડીંગ રોડના પેકેટો મુકેશ ઠક્કરે આપ્યા હતા. બાદમાં પોલીસે મુકેશ ઠક્કરની પણ અટકાયત કરી તેની પૂછપરછ કરતા આ રોડના પેકેટ ગોધરા ખાતે રહેતા ઉંમર ફારૂક મુસાભાઈ ચરખાને આપ્યા હોવાનું જાણવાં મળ્યું હતું. બીજી બાજુ પોલીસને એવી ખબર પડી હતી કે તાડપત્રી કાપી ચોરી કરવાની એમઓ ધરાવતો ઉંમર ફારુક ખેડા જિલ્લાના માતર ખાતે કોર્ટ મુદતે જવાનો છે જેથી મંજુસર પોલીસની એક ટીમ માતર ખાતે પહોંચીને ઉંમર ફારૂક મુસાભાઈ ચરખા (રહે.ગોયા મોહલો, ગોધરા)ને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે મુકેશ વિનોદભાઈ ઠક્કર (રહે. મન મંદિર કોમ્પ્લેક્સ, આરવી દેસાઈ રોડ) તેમજ ઉંમર ફારુક ચરખા અને અબ્દુલ વહાબ મુસાભાઇ ચરખા (રહે. ગોયા મોહલો, ગોધરા)ની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, ઉંમર ફારુક સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરીના નવ ગુના તેમજ અબ્દુલ વહાબ સામે ત્રણ ગુના નોંધાયા છે. જ્યારે ભંગારના વેપારી મુકેશ ઠક્કર સામે મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે એક ગુનો નોંધાયો છે.