- અકોટા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, ચાર લાઇટો, બે સ્પીકર સહિત રૂપિયા 54,000નો મુદ્દામાલ કબજે કર્યો
વિદાય લેતા વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરના પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે એલર્ટ થઇ ગયું. તો બીજી બાજુ મોડી રાત્રે બીપીસી રોડ ઉપર એક કપડાના શો-રૂમ બહાર પોલીસ પરવાનગી વગર આતશબાજી અને ડી.જે. સાથે કેક કાપી ફિલ્મ અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. જોકે, આ બનાવ અંગે પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે ઉજવણીની શરૂઆત રાત્રે 11 વાગ્યે કરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને કોઈએ જાણ કરતા સ્થળ પર પોલીસે આવી ડીજે વાગતું બંધ કરાવ્યું હતું. જોકે, પોલીસ રવાના થયા બાદ પુનઃ ઉજવણી શરૂ કરવામાં આવી હતી અને ભારે આતશબાજી તેમજ ડીજે સાથે રાત્રે 12ના ટકોરે કેક કાપી ફિલ્મ અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે અકોટા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંગે અકોટા પોલીસ મથકના પી.આઇ. યોગેન્દ્રસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંગે શો-રૂમના સંચાલક વિપુલ કિશોરસિંહ મકવાણા (રહે. એફ-506, અક્ષર રેસીડેન્સી, વડસર બ્રિજ પાસે, વડોદરા), મેનેજર સરફરાઝ ઇમ્તીયાક અલીસૈયદ (રહે. 202, દાનીશ ફ્લેટ, રાવપુરા, વડોદરા) અને ડી.જે. સાઉન્ડ સંચાલક સલમાન સલીમ મેમણ (રહે. એ- 38, આફિયા પાર્ક, તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે સાથે કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવેલી ચાર લાઇટો, બે સ્પીકર સહિત રૂપિયા 54,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક બાજુ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લા, રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ કરાવી રહી છે. એથી વધારે લગ્ન પ્રસંગમાં પહોંચી રાત્રે 11 વાગ્યે ડીજે બંધ કરાવે છે ત્યારે બીપીસી રોડ પર આવેલા ખાનગી કપડાના શો-રૂમ પાસે ફિલ્મી અભિનેતા સલમાન ખાનના ચાહકોએ ભેગા થઈ જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.