સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ સાથે મારામારી કરનાર ત્રણની ધરપકડ, હજુ એકને પકડવાનો બાકી

હોસ્પિટલમાં પાર્કિંગ બાબતે રેસિડેન્ટ ડોક્ટર પર 4 જેટલા સફાઇ કર્મીઓએ હુમલો કર્યો હતો

MailVadodara.com - Three-arrested-for-brawling-with-resident-doctor-at-Sayaji-Hospital-one-still-to-be-arrested

- મારામારી બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પાડી સિક્યુરિટીની માંગ કરી હતી


શહેરની સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બહાર ગઈકાલે રેસિડેન્ટ તબીબ સાથે મારમારીની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હંગામો થયો હતો. મારામારી બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પાડી સિક્યુરિટીની માંગ કરી હતી. આ સમગ્ર મામલે રાવપુરા પોલીસે રેસિડેન્ટ તબીબ ડોક્ટરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ, સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર સફાઈ કર્મીઓ જ હતા. પોલીસે ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં ભોગ બનનાર રેસિડેન્ટ ડોક્ટર અર્પિતસિંહ શિકરવાએ નોંધાવેલી ફરિયાદના આધારે રાવપુરા પોલીસે 4 શખસો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મારમારીમાં રાવપુરા પોલીસે સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામગીરી કરતા ત્રણ શખસની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઇસમ હજુ પોલીસ પકડથી દૂર છે.

રાવપુરા પોલીસે ત્રણ સફાઈ કર્મીઓની ધરપકડ કરી છે. જેમાં હિતેશ રાજુભાઇ ચુડાસમા (ઉં.વ. 32, રહે. કિશનવાડી, વુડાના મકાનમાં), જીગર સંજયભાઈ ઠાકોર (ઉં.વ. 20 રહે, ખોડીયારનગર, સયાજીપુરા, વડોદરા), અંકિત ઉર્ફે ખોળો રામજીભાઈ ચુડાસમા (ઉં.વ. 19, રહે.રામાપીરની ચાલી, શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે હાથીખાના, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાકેશ નામનો શખસની ધરપકડ કરવાની બાકી છે.


મારમારીની આ ઘટના બાદ રેસિડેન્ટ તબીબોએ હળતાલનો માર્ગ અપનાવ્યો હતો. બાદમાં સયાજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને RMO સાથે રેસિડેન્ટ તબીબોની બેઠક મળી હતી. આ બેઠકમાં રેસિડેન્ટ તબીબોની વિવિધ માંગણીઓને સ્વીકારવાની લેખિત બાંહેધરી આપતા આ હડતાલ સમેટી હતી. આ બેઠકમાં 24 કલાક તાત્કાલિક વિભાગમાં 7 સિક્યુરિટી ગાર્ડ અને 1 મહિલા સિક્યુરીટી ગાર્ડની વ્યસ્થા ગોઠવવની બાંહેધરી આપી છે. સાથે સર્જીકલ બિલ્ડિંગમાં, MICU, SICU, ટ્રોમા ઓ.ટી.માં પણ 24 કલાક સિક્યુરીટી ગાર્ડ સાથે રાત્રિના સમયે યોગ્ય પ્રકાશ મળી રહે તે માટે લાઇટ વ્યવસ્થા, સિક્યુરિટી ઓફિસરે હેલ્પ લાઇન વ્યવસ્થા, તમામ વિભાગમાં સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી.

Share :

Leave a Comments