વડોદરા કોર્પોરેશન હસ્તકના ત્રણ નગરગૃહની સાડા ત્રણ વર્ષની આવક 3.64 કરોડની થઇ

પાલિકાના ત્રણેય નગરગૃહના વીજ બીલનો ખર્ચો રૂપિયા 1.53 કરોડ થયો

MailVadodara.com - Three-and-a-half-year-income-of-three-town-houses-owned-by-Vadodara-Corporation-was-3-64-crores

- મહાત્મા ગાંધી નગરગૃહમાં 165, સયાજીરાવ નગરગૃહમાં 708 અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં 333 મળી કુલ 1206 કાર્યક્રમો યોજાયા


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ત્રણ નગર ગૃહમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં જે કાર્યક્રમ યોજાયા છે, તેમાંથી 3.64 કરોડની આવક થઈ છે. જેની સામે 1.53 કરોડનો વીજળીના બિલનો ખર્ચ થયો છે. આ વિગતો આરટીઆઈમાં બહાર આવી છે. શહેરના ત્રણે નગરગૃહોમાં યોજાતા કાર્યક્રમોની અને તેમાથી થતી આવક-જાવકની વિગતો મેળવવા માટે સામાજીક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટે કોર્પોરેશનની ટુરીસ્ટ શાખામાં આરટીઆઈ કરીને જાન્યુઆરી 2021થી લઈને ઓગષ્ટ 2024 સુધીના સમયગાળામાં થયેલા કાર્યક્રમોની માહિતી માંગી હતી. જેની અપાયેલી માહિતી મુજબ મહાત્મા ગાંધી નગરગૃહમાં 165, સયાજીરાવ નગરગૃહમાં 708 અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં 333 એમ બધા મળીને કુલ 1206 કાર્યક્રમો યોજાયા હતા અને આ ત્રણે નગરગૃહોના ભાડાની આવક કુલ 3.64 કરોડ થઈ છે. જેની સામે આ ત્રણે નગરગૃહના વીજ બીલનો ખર્ચો 1.53 કરોડ થયો છે.


આ ઉપરાંત કાર્યક્રમો મોડે સુધી ચાલતા હોય તે માટે 96 જેટલા પ્રોગ્રામોમાં ઓવર ટાઈમની લેટ પેનલ્ટીની વસુલાત રૂા.1.94 લાખ કરી હતી. આ નગરગૃહોમાં સરકારી કાર્યક્રમો પણ યોજાતા હોય છે. આ સમયગાળા દરમિયાન આવા 26 સરકારી કાર્યક્રમો યોજાયા હોવાની વિગતો આરટીઆઈમાં આપી હતી. વડોદરા આરટીઆઇ વિકાસ મંચના પ્રમુખના કહેવા અનુસાર આ ત્રણે નગરગૃહોમાં થતા ઓવરટાઈમ કાર્યક્રમો લેટપેનલ્ટી ફી માત્ર 1.94 લાખ જેટલી જ છે, જે ઘણી ઓછી છે. કારણ કે મોટાભાગના કાર્યક્રમો મોડે સુધી ચાલતા હોય છે, પરંતુ તેની જોઈએ એવી વસુલાત થતી નથી. જો ચોકસાઈ રાખીને વસુલાત કરવામાં આવે તો આવક હજી વધી શકે તેમ છે.


Share :

Leave a Comments