ગોત્રી કલ્પવૃક્ષ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું

પાણીની લાઈનમાં છેલ્લા ત્રણ દિવસથી ભંગાણ હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો

MailVadodara.com - Thousands-of-liters-of-water-flowed-into-the-drain-when-a-water-line-broke-near-Gotri-Kalpavriksha

- રોડ ઉપર ફરી વળેલા પાણીના કારણે લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો, સ્થાનિકોની અનેક રજૂઆતોનું નિરાકરણ નહીં

વડોદરા શહેરના ગોત્રી કલ્પવૃક્ષ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી આ પાણીની લાઈન લીકેજ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે ત્રણ દિવસમાં હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે.

સ્થાનિક મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ કરવામાં આવી રહેલી કામગીરીના પગલે વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગોત્રી વિસ્તારમાં વધુ એક કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણી ફરી વળ્યા છે.

ગોત્રી કલ્પવૃક્ષ પાસે રોડ ઉપર કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. પાણીમાં ભંગાણ થવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અનેક વખત આ વોર્ડ ઓફિસમાં તેમાં સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી આ પાણી લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તંત્રના પાપે લોકોને પુરતા પ્રમાણમાં અને પ્રેશરથી પાણી મળતું નથી.


સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે, એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કામગીરી દરમિયાન લાઇનમાં લિકેજ થઇ શકે છે, પરંતુ ભંગાર સર્જાયા બાદ તેનો તાત્કાલિક ધોરણે રીપેર કરીને પાણી વેડફાતું બંધ કરવાની પાલિકાની ફરજ બને છે. છેલ્લા ત્રણ દિવસથી આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રોડ ઉપર ફરી વળેલા પાણીના કારણે લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. આમ છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિક કેયુરભાઇએ જણાવ્યું કે, પાલિકા દ્વારા ભંગાણ થયેલ પાણીની લાઈનનું લીકેજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. પાણી લાઇનમાં ભંગાણ થવાના કારણે વિસ્તારમાં પાણીના પ્રેશર ઉપર પણ અસર થઈ છે. લોકો પરેશાન પણ થઈ રહ્યા છે જેથી પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વેડફાટ થઇ રહેલું પાણી બંધ કરવામાં આવે.

Share :

Leave a Comments