- ઠગ બાજોએ મહિલાનું 12 ગ્રામ સોનાનું મંગલસૂત્ર કિંમત 35,000 અને 4 ગ્રામ સોનાની બુટ્ટી કિંમત 6000 મળી કુલ રૂપિયા 41 હજારની છેતરપિંડી આચરી
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ સહિત છેતરપિંડીના બનાવવામાં સતત વધારો જોવા મળી રહે છે. ત્યારે ગતરોજ શહેરના અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં ધોળે દિવસે આધેડ વયની મહિલાને ઠગ બાજોએ માયાજાળમાં ફસાવી સોનાનું મંગલસૂત્ર અને બુટ્ટી ઉતરાવી બદલામાં રૂપિયા થેલીમાં મૂક્યા હોવાનું જણાવી ફરાર થઈ ગયા હતા. મહિલાએ ચેક કરતા તેમાંથી પૂંઠાના ટુકડા મળી આવ્યા હતા. આ મામલે આધેડ મહિલાએ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અકોટા મહાત્મા ગાંધી હાઇટ્સમાં રહેતા અને નોકરી કરતા પ્રતિભાબેન નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેઓએ નોકરી દરમિયાન તેઓ જેતલપુર બ્રિજ પાસેથી મહાકાળી માતાના મંદિર તરફ ચાલતા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઇસમે હિન્દીમાં વાત કરી અને જણાવ્યું કે મેં ઇન્દોર કા હું મુજે રાસ્તા પતા નહીં હૈ મુજે રાસ્તા દિખા. તેવું કહેતા આખરે મહિલાએ તેને રેલ્વે સ્ટેશન તરફ જવાનો રસ્તો બતાવ્યો હતો. તે દરમિયાન બે વ્યક્તિ તેઓની પાસે આવ્યા હતા જેમાં એક સ્ત્રી હતી અને એક પુરુષ હતો. તેઓ પણ મારી પાસે આવ્યા હતા અને લારીની પાછળ જવાનું કહેતા મને શું થયું કે હું ત્યાં પહોંચી ગઈ. તેઓના કહ્યા મુજબ લારી પાછળ જઈ મારી પાસે રહેલ સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી કાઢીને તેઓએ આપી દીધેલ.
ત્યારબાદ એક વ્યક્તિ મારી પાસે આવેલ અને થેલીમાં સફેદ કલરનું પાર્સલ મૂકીને પાર્સલમાં પૈસા છે તેમ જણાવી તે રેલવે સ્ટેશન તરફ જનાર વ્યક્તિને અમે મૂકીને આવીએ છીએ તેવું કહી ચાલ્યા ગયા હતા. તેઓ જેતલપુર બ્રિજ મચ્છી માર્કેટ પાસે બેસી રહેલ પરંતુ તેઓ પરત ન આવતા થેલીમાં તેઓએ જોતા પ્લાસ્ટિકની થેલી વાળા પાર્સલમાં જોતા જ તેમાં રાખડી રંગના કપડામાં ચલણી નોટોની કટ કરેલા કાગળ પૂંઠાના ટુકડા મળી આવ્યા હતા.
બાદમાં તેઓએ ગભરાઈને તરત જ હોસ્પિટલમાં ગયા હતા અને સાથે નોકરી કરનાર કર્મચારીને જાણ કરી હતી. આ અંગે અકોટા પોલીસ મથકમાં તેઓએ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓનો સોનાનો મંગલસૂત્ર જેનું વજન 12 ગ્રામ જેની કિંમત 35,000 અને સોનાની બુટ્ટી જેનું વજન 4 ગ્રામ જેની કિંમત 6000 મળી કુલ રૂપિયા 41 હજારની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.