વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણા ચોરવાના બનાવો બની રહ્યા છે ત્યારે ચોરો દ્વારા કેવી રીતે ગટરના ઢાંકણા ચોરવામાં આવે છે તેનો એક વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વરસાદના સમયમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે તેવા સમયે લોકોના જીવના જોખમરૂપ વધુ એક મુશ્કેલી ઢાંકણા ચોરો દ્વારા ઊભી કરવામાં આવી છે. ચોરોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે રાત્રે નહીં પરંતુ દિવસ દરમિયાન પણ રિક્ષામાં આવી આંખના પલકારામાં ગટરના ઢાંકણા ચોરીને ફરાર થઈ જાય છે.
વાયરલ વીડિયો વાઘોડિયા રોડ વિસ્તારનો હોવાનું મનાય છે. જેમાં ટાર્ગેટ કરેલા ઢાંકણા પાસે રીક્ષા ઊભી રાખી ચાલક કોઈની રાહ જોતો હોય તેમ બેસી રહે છે અને પાછળની સીટ પર બેઠેલો ચોર નીચે ઉતરીને આંખના પલકારામાં ઢાંકણ કાઢી રીક્ષામાં મૂકીને ફરાર થઈ જતો દેખાય છે. નજીવા સ્વાર્થ માટે ચોરો કેટલી હદે પહોંચે છે તે દર્શાવતાં બનાવની પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જ્યાં ઢાંકણા કાઢી નાખવામાં આવે છે ત્યાં ખૂબ પાણી ભરાતા હોય છે અને આવા સમયે કોઈ પસાર થાય તો શું થાય.