એસ.એસ.જી હોસ્પિટલમાં સારવારના નામે ગરીબો પાસેથી રૂપિયા પડાવવાનું રેકેટ ચાલે છે..?

કોણ કહે છે કે સયાજી હોસ્પિટલ માં મફત સારવાર થાય છે ?

MailVadodara.com - There-is-a-racket-of-extorting-money-from-the-poor-in-the-name-of-treatment-in-SSG-hospital

- સયાજી હોસ્પિટલ માં આવતા ગરીબ દર્દીઓ પાસે બહારથી સામાન લાવવો પડશે એમ કહી નાણાં લેવાય છે..!

- સયાજી હોસ્પિટલ ના નબળા તંત્રના પાપે ચા- પાણી થી માંડી અન્ય બહાના હેઠળ નાણાં માંગવામાં આવે છે..!


મધ્ય ગુજરાતની વડોદરા શહેરમાં આવેલી સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા કેટલાક ગરીબ દર્દીઓ પાસે નાણાં પડવાય છે. આ ચોંકાવનારી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સત્તાધીશો અજાણ છે. અહીં સવાલ એ છે કે  "ગરીબ હોવું ગુન્હો છે ? "


         ડોક્ટર એટલે સાક્ષાત ભગવાન, એવુ બીમારીથી પીડાતા દરેક વ્યક્તિ અને એના પરિવારજનો માનતા હોય છે. એમાં પણ ગરીબ દર્દીઓ માટે સારવારનો એક માત્ર વિકલ્પ હોય છે સરકારી હોસ્પિટલ.. વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી SSGH હોસ્પિટલમાં ગુજરાત સાથે અન્ય પ્રાંતો ના ગરીબ દર્દીઓ સારવાર કરાવવા આવે છે. મોટા ભાગના ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ સરકાર તરફથી મફત સારવાર કરાવવાનો સૌથી મોટી સહાય છે. અહીં રોજના સેંકડો દર્દીઓ સારવાર માટે આવે છે અને સાજા થઈને ઘરે પરત ફરે છે. જો કે આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓને કડવા અનુભવો પણ થાય છે.


સતાધીશોમાં સેવા કરવાની ઈચ્છા શક્તિ ના અભાવે સરકાર તરફથી મળતી સુવિધાઓ મળતી નથી. દર્દીઓ માટે ના સ્ટ્રેચરનો ઉપયોગ સામાન લઈ જવાની રેંકડી તરીકે થાય છે. હદ તો ત્યારે થાય છે જયારે ગરીબ દર્દીઓ પાસેથી કેટલાક લોકો નાણાં પડાવે છે. અમે જે જોયું એ સયાજી હોસ્પિટલના નબળા વહીવટ નો પર્દાફાશ કરે છે. એક યુવક મુજબ એની ગરીબી અને મજબૂરી વચ્ચે એની પાસે થી આઠ હજાર લેવામાં આવ્યા. નાણાંની વ્યવસ્થા એણે વ્યાજે નાણાં લીધા અને માતાની સારવાર કરાવી.


   માતા ના ઈલાજ માટે વ્યાજે નાણાં લાવી દેવાદાર થયેલા આ યુવક નો વાંક શું ?  ગરીબીમાં માતાની મફત સારવાર માટે આ યુવક સયાજી હોસ્પિટલમાં ના આવે તો જાય ક્યાં ? આ ગરીબ યુવકની લાચારીનો ફાયદો ઉઠવવો કેટલો યોગ્ય ? ખેર, આવા ગરીબ દર્દીઓને સારવાર માટેનો જરૂરી સામાન હોસ્પિટલમાં છે નહીં અને બહારથી લાવવો પડશે એમ કહી નાણાં લેવામાં આવે છે. આ કામ હોસ્પિટલના સ્ટાફના માણસો જ કરે છે.

          અહીં કેટલાક તબીબો ધંધાદારી ખાનગી તબીબોની જેમ પહેલા નાણાં ની માંગણી કરે છે. અહીં નોંધનીય બાબત એ છે કે ગરીબ દર્દીઓ પાસે સારવારના નામે લેવાતા નાણાં ની કોઈ પાવતી કે રસીદ આપવામાં આવતી નથી.


         જયારે કોઈ પણ નાણાંકીય વ્યવહાર થાય ત્યારે એની પહોંચ આપવામાં આવે છે. અહીં આવી કોઈ પણ પ્રકારની પહોંચ આપવામાં આવતી નથી. તો શું આ નાણાં જે તે વ્યક્તિના ખિસ્સામાં જાય છે ? સામાન્ય સારવારમાં પણ નાણાં કેમ લેવામાં આવે છે ? શું સયાજી હોસ્પિટલના સત્તાધીશો આવી પ્રવૃત્તિથી ખરેખર અજાણ છે કે પછી આંખ આડા કાન કરે છે ? શું ગરીબ દર્દીઓને લૂંટવાનું ષડયંત્ર ચાલે છે ? સામાન બહારથી સપ્લાય કરનાર વેપારીને સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ મંજૂરી આપી છે ? કોઈ વેપારી સયાજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સારવારના નામે ધંધો કેવી રીતે કરી શકે ?  આ સવાલો એટલે ઉઠે છે કે આ તમામ પ્રવૃત્તિ જાહેરમાં થાય છે.

       ગરીબ દર્દીઓ માટે મફત સારવાર માટે સરકાર તમામ સહાય કરવા તૈયાર છે, ત્યારે સયાજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની લાચારી અને અજ્ઞાનતાનો ફાયદો કેમ ઉઠાવવામાં આવે છે ?

સારવાર માટે બહારથી સામાન લાવતા શનો અને આકાશ કોણ ?

 એસ.એસ.જી  હોસ્પિટલમાં દર્દીઓ પાસે નાણાં પડાવવાના રેકેટમાં હોસ્પિટલ બહારથી આવતા બે વ્યક્તિની ભૂંડી ભૂમિકા પ્રકાશમાં આવી છે. આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ SSG હોસ્પિટલ માં દાખલ થયેલા વ્યક્તિને ડોક્ટર દ્વારા સામાન બહારથી લાવવો પડશે એમ કહેવામાં આવે છે. જેના માટે નાણાં લેવામાં આવે છે. શનો અને આકાશ નામના વ્યક્તિ સારવાર નો સામાન બહારથી લાવી દર્દીને આપી જાય છે. આ સામાન ની રસિદ કે પાવતી આપવામાં આવતી નથી. આમ જેને સયાજી હોસ્પિટલ કે દર્દી સાથે ન્હાવા નીચવવાનો સબંધ નથી એવા બે ખાનગી વ્યક્તિ શનો અને આકાશ બિન્દાસ્ત વેપલો કરે છે. દર્દીઓને બહારથી લાવેલો સામાન જર્મની આવ્યો હોવાનું પણ કહેવામા આવે છે.

કોઈ નાણાં પડાવતું હોય તો અમારું ધ્યાન દોરવું..


સરકારના આદેશ મુજબ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તમામ સામાન ની વ્યવસ્થા કરવામાં આવે છે. બહારથી કોઈ પણ પ્રકાર નો સામાન મંગાવવાનો રહેતો નથી. ખાસ સંજોગોમાં પરવાનગી થી સામાન આવે છે જેનું ચૂકવું હોસ્પિટલ તરફથી થાય છે. દર્દીઓ પાસે સારવારના નામે કે સામાન બહારથી લાવવાના નામે કોઈ નાણાં પડાવતું હોય તો અમારું ધ્યાન ચોક્કસ દોરવું. આવા વ્યક્તિ સામે કાર્યવાહી જરૂર થશે. - ડૉ. રંજન ઐયર, સુપ્રીટેડન્ટ, સયાજી હોસ્પિટલ.

Share :

Leave a Comments