- એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક જેટલો સમય થતાં યુવાન રોડ ઉપર તડપતો રહ્યો, હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું
ડભોઇ સરીતા ક્રોસિંગ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક સ્લીપ ખાઇ જતાં ચાલકનો પગ કપાઇ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલ યુવાન રોડ ઉપર અડધો કલાક સુધી તડપતો રહ્યો હતો. આ ઘટનાને પગલે 2 કલાક સુધી ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપરથી બાઈક લઇ પસાર થઇ રહેલા યુવાનની બાઇક સ્લીપ મારતા પલટી મારી ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં ટોળું એકઠું થઇ ગયું. ટોળે વળેલા પૈકી કોઇ વ્યક્તિએ 108ને જાણ કરી હતી. જોકે, એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક જેટલો સમય થતાં યુવાન રોડ ઉપર તડપતો રહ્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ આવ્યા બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે રોડની બંને સાઇટ 2 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. ટ્રાફિકજામ થતાં ટોળે વળેલા લોકોએ પોલીસની ભૂમિકા ભજવી હતી. આમ છતાં કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જોકે ટ્રાફિક જામના કારણે પોલીસને પણ સ્થળ ઉપર પહોચવુ મુશ્કેલ થઇ ગયું હતું. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. ડભોઇ પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત ક્યાંનો રહેવાસી છે. તે અંગેની કોઇ માહિતી મળી ન હતી.