ડભોઇના એન્જિનીયર યુવકથી કપનીની ગાડીનો અકસ્માત થતાં ગભરાઇને ઘરમાં ફાંસો ખાઇ લીધો

યુવકની માતા નોકરી પર અને ભાઇ સ્કૂલમાં ગયા બાદ ફાંસો ખાઇ લીધો

MailVadodara.com - The-young-engineer-from-Dabhoi-got-trapped-in-the-house-after-the-companys-car-met-with-an-accident

- મૂળ કેરલના કુટ્ટાનાડુના વૈશ્યમભાગોમનો વતની વિષ્ણુ આચાર્ય ઓટો મોબાઇલ કપનીમાં મિકેનીકલ અન્જિનીયર તરીકે નોકરી કરતો હતો

- ચિઠ્ઠીમાં લખ્યું, મમ્મી હું જાવ છું, કંપનીની ગાડી અથડાઇ છે, મારાથી હવે કંપનીમાં જવાનું ના થાય, સાથી કર્મીઓને મારાથી મોંઢુ ન બતાવાય

વડોદરાના ડભોઇના યુવાને કંપનીની ગાડીને થયેલા અકસ્માતથી ગભરાઇને પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. યુવાને આપઘાત કરતા પૂર્વે મલયાલમ ભાષામાં મમ્મીને સંબોધતી લખેલી ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે "મમ્મી હું જાવ છું, કંપનીની ગાડી અથડાઇ છે, મારાથી હવે મારી કંપનીમાં જવાનું ના થાય. મારી સાથે જે લોકો નોકરી કરે છે. તેઓને મારાથી મોંઢુ ન બતાવાય, હું જાવ છું. મારા નાના ભાઇને તમે જોઇ લેજો. મારા મોત માટે કોઇ જવાબદાર નથી, મને માફ કરશો". બનાવ અંગે ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ, મૂળ કેરલના અલૈપેય જિલ્લાના કુટ્ટાનાડુ તાલુકાના વૈશ્યમભાગોમનો વતની વિષ્ણુ કૃષ્ણનકુટ્ટી આચાર્ય (ઉં.વ.25) ડભોઇમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી માતા જયશ્રીબહેન આચાર્ય અને અભ્યાસ કરતા 12 વર્ષના નાના ભાઇ સાંઇકૃષ્ણ સાથે ડભોઇ એસ.ટી. ડેપો પાસે આવેલી 55, વિશ્રાંતી સોસાયટીમાં રહેતો હતો. અને દુમાડ પાસે આવેલી વી.જી. ઓટોમોબાઇલ કંપનીમાં મિકેનીકલ એન્જિનીયર તરીકે નોકરી કરતો હતો.

તા.5 જુલાઇના રોજ સવારે વિષ્ણુ આચાર્યની માતા જયશ્રીબહેન નોકરી ઉપર ગયા હતા અને ભાઇ સાંઇકૃષ્ણ સ્કૂલમાં ગયો હતો. દરમિયાન વિષ્ણુએ મકાનના રસોડામાં પંખાના હુક ઉપર ચાદરથી ફાંસો ખાઇ લીધો હતો. બપોરે 1.30 વાગ્યાના સુમારે સાંઇકૃષ્ણ ઘરે આવ્યો હતો. મકાનનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશતા જ તેણે મોટાભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યો હતો. અને તુરંત જ મમ્મીને જાણ કરતા તેઓ હોસ્પિટલથી ઘરે આવી પહોંચ્યા હતા. તે સાથે વિશ્રાંતિ સોસાયટીના લોકો પણ દોડી આવ્યા હતા.

આ દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરસુખભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને લાશનો કબજો લઇ તપાસ કરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરી લેનાર વિષ્ણુ આચાર્યએ મલયાલમ ભાષામાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી. તે સાથે પોલીસે લાશને પોષ્ટમોર્ટમ માટે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.

અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરસુખભાઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, વિષ્ણુ આચાર્ય મિકેનીકલ એન્જિનીયર થયેલો છે. અને દુમાડ ખાતે આવેલી વી.જી. ઓટો મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હતો. વિષ્ણુથી કંપનીની ગાડીને અકસ્માત થતાં તે ગભરાઇ ગયો હતો. અને ગાડીને થયેલા નુકશાન અંગે કોઇને વાત કર્યા વગર ઘરે આવી ગયો હતો. દરમિયાન કંપનીમાં ગાડીને થયેલા નુકશાન અંગે સી.સી. ટી.વી.ની તપાસ કરતા વિષ્ણુ આચાર્યથી ગાડી અથડાઇ હોવાની હકીકત બહાર આવી હતી.

કંપનીની ગાડી વિષ્ણુથી અથડાઇ હોવાની હકીકત બહાર આવતા કંપની દ્વારા વિષ્ણુને ફોન કરવામાં આવ્યો હતો. વિષ્ણુએ જે કંઇ ખર્ચ થશે તે આપી દેવાની તૈયારી પણ બતાવી હતી. પરંતુ, વિષ્ણુને મનોમન કંપનીમાં જઇશ તો સાથે કામ કરનારાઓને મોંઢુ કેવી રીતે બતાવીશ ? તે ચિંતા કોરી રહી હતી. આથી તેણે તા. 5 જુલાઇની સવારે માતા નોકરી ગયા બાદ અને નાનો ભાઇ સ્કૂલે ગયા બાદ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અને આપઘાત કરતા પૂર્વે માતાને સંબોધન કરતી મલાયમ ભાષામાં ચિઠ્ઠી લખીને આપઘાત કરી લીધો હતો. ચિઠ્ઠીમાં તેણે પોતાના મોત માટે કોઇ જવાબદાર નથી. તેમ પણ લખ્યું હતું.

ડભોઇ વિશ્રાંતી સોસાયટીમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી. સાથે વિષ્ણુના મોતે ગમગીની ફેલાવી દીધી હતી. ડભોઇ પોલીસે જયશ્રીબહેન આચાર્યની ફરિયાદના આધારે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments