- આજે અત્યાર સુધીમાં 6 પક્ષીના ગળા કપાયાની વિગતો સામે આવી, પક્ષીઓની સારવાર માટે 3 ઓપરેશન થિયેટર સજ્જ, 500થી વધુ વોલેન્ટિયર કામે લાગ્યા
મકરસંક્રાંતિ પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં પતંગની દોરીથી ગળું કપાવવાના કેટલાક બનાવો સામે આવ્યા છે. હાલના પતંગરસિયાઓ ઉજવણી કરી રહ્યાં છે ત્યારે અબોલા જીવોના ગળા કપાવવાનું પણ શરુ થયું છે. ગત રોજ વન વિભાગને 35થી વધુ અને આજે અત્યાર સુધીમાં 6 પક્ષીના ગળા કપાયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં દુનિયાનું સૌથી ઝડપી ઉડનાર પક્ષી પણ ઘાયલ થયું છે.
Falco peregrinus પતંગ દોરીનો શિકાર બન્યું છે. આ શાહીન ઉડવામાં અદ્વિતીય ઝડપ ધરાવે છે. ખાસ કરીને ડાઈવ મારવામાં બેજોડ છે. કલાકના 320 કિલોમીટરની ઝડપે ડાઈવ મારી અને શિકાર કરી શકે છે અને એટલે જ શાહીન દુનિયાનું સૌથી ઝડપી પક્ષી છે. હાલ ઘાયલ પક્ષીની સારવાર ચાલી રહી છે.
વડોદરા શહેરમાં કરુણા અભિયાન થકી સાત એમ્બુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે ત્રણ ઓપરેશન થિયેટર અને 40થી વધુ કલેક્શન સેન્ટર પણ ઉભા કરવમાં આવ્યાં છે. આ અભિયાન થકી 500 વોલેન્ટિયર પક્ષીઓને સારવાર તેમજ તેઓની સેવા પૂરી પાડશે. ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ગુજરાત વન્યજીવ હેલ્પલાઇન નંબર 8320002000 સાથે જ વડોદરા માટે ટોલ ફ્રી નંબર 18002332636 સાથે જ 24*7 કલાક કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર 1962 કાર્યરત રહેશે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતી સામાજિક સંસ્થાઓ અને વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટ દ્વારા વિવિધ જગ્યાએ બર્ડ રેસક્યુ કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ઉતરાયણ પર્વ અને બીજા દિવસે શહેરના ગાંધીનગર ગૃહ, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ગોરવા વિસ્તારમાં ચાર મોટા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે અને આ માટે વિવિધ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવે છે.