વડોદરા પાલિકા દ્વારા ચાલુ વર્ષે ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી ચાલુ, હજુ બે મહિના ચાલશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ચાર વર્ષે રિવિઝન આકારણી કરાય છે

MailVadodara.com - The-work-of-revision-assessment-in-north-zone-by-Vadodara-Municipality-is-going-on-this-year-it-will-continue-for-another-two-months

- ગત વર્ષે પશ્ચિમ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ચાર વર્ષે રિવિઝન આકારણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે શહેરના ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી ચાલુ છે, જે હજુ બે મહિના સુધી ચાલે તેવી શક્યતા છે. વડોદરા શહેરમાં કોર્પોરેશનના ચાર ઝોન છે. જેમાં દર વર્ષે એક ઝોનમાં રિવિઝન આકારણી કરવાનું થાય છે. ગયા વર્ષે પશ્ચિમ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આમ તો રિવિઝન આકારણી થાય એટલે કોર્પોરેશનની વેરાની આવકમાં 15થી 20 કરોડનો વધારો થઈ શકે છે, કેમ કે લોકોએ ચાર વર્ષ દરમિયાન પોતાના ઘરના બાંધકામમાં ફેરફાર કર્યા હોય, એક્સટેન્શન કર્યું હોય, નવો માળ બાંધ્યો હોય વગેરેને લીધે આકારણીમાં વધારો થાય છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો આકારણી કરનાર કર્મચારી ઘરે આવે અને બાંધકામમાં ફેરફાર જણાય તો આકારણીમાં જે કંઈ ડિફરન્સ આવે તેનું બિલ દોઢ બે મહિનામાં પહોંચતું કરી દેવામાં આવે છે, એ પછી જ્યારે નવું બિલ અપાય ત્યારે નવી આકારણી સાથેનું આપવામાં આવે છે. ગયા વર્ષે ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણી શરૂ કરી એ પછી ડિસેમ્બર મહિના સુધીમાં મિલકત વેરાની આવકમાં 17કરોડનો વધારો થયો હતો. કોર્પોરેશન દર વર્ષે બજેટમાં મિલકત વેરાની આકારણીનો લક્ષ્યાંક વધારે છે, જે રિવિઝન આકારણી ને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે છે.

શહેરનો પશ્ચિમ ઝોન કે જ્યાં કોમર્શિયલ બાંધકામો અને બીજા નાના મોટા બાંધકામોમાં બીજા ઝોન ની સરખામણીમાં વધુ ફેરફાર થતા હોય છે, ત્યાં રિવિઝન આકારણીની આવક 25 કરોડ સુધી પણ  પહોંચી શકે છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13નો સમાવેશ થાય છે. જેમાં હાલ વોર્ડ નંબર 7ની રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણતાના આરે છે. એ પછી માત્ર વોર્ડ નંબર 13બાકી રહેશે. ઉત્તર ઝોનની કામગીરી પૂર્ણ થયા બાદ લગભગ દક્ષિણ ઝોન અને ત્યારબાદ પછીના વર્ષે પૂર્વ ઝોનની રિવિઝન આકારણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક આશરે 716કરોડ રાખવામાં આવ્યો છે.

Share :

Leave a Comments