- ગાય સર્કલ પર સિગ્નલ ઢંકાઈ જાય એવી રીતે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે
- સામાન્ય જનતાને દેખાય છે પરંતુ અધિકારીઓ ધૂતરાષ્ટ્ર બની જાય છે..!!
શહેરમાં ફરી એકવાર આડેધડ હોર્ડિંગ્સના કારણે ટ્રાફિક સિગ્નલ ન દેખાતા વાહનચાલકોને હાલાકી તથા ટ્રાફિકના નિયમના તંત્રની લાપરવાહીને કારણે ઉલ્લંઘન થકી દંડ ભોગવવાનો વારો આવ્યો છે.
શહેરમાં ફરી એકવાર આડેધડ હોર્ડિંગ્સના જંગલો ઉભા થઇ રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકાના તંત્રની લાપરવાહીને કારણે શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યાં છે પાલિકા તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવતી ન હોય તેવું સ્પષ્ટ જણાય છે. પાલિકા તંત્રને ફક્ત આવકમાં રસ હોય તેવું જણાય છે. શહેરમાં વાર તહેવારોએ ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમો માટે હોર્ડિંગ્સ લગાડી પ્રચાર પ્રસાર કરવામાં આવે છે પરંતુ આ હોર્ડિંગ્સ લગાડવા માટે પણ કેટલાક ધારાધોરણો, નિયમોનું પાલન કરવાનું હોય છે તો સામે પાલિકા તંત્ર દ્વારા પણ યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે હોર્ડિંગ્સ લાગ્યા છે કે કેમ, નિયમોનું પાલન થયું છે કે કેમ તે જોવાનું પણ પાલિકા તંત્રનું કામ છે પરંતુ કોઇપણ પ્રકારના નિયમોનું બંન્ને તરફે ધ્યાન આપવામાં આવતું ન હોય તેવું જણાય છે જેના કારણે નિર્દોષ નાગરિકોને દંડ ભરવાનો અને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
વાત કરીએ તો શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ થી આગળની દિવાળીપુરા રોડ તરફ જતાં ગાય સર્કલ ચારરસ્તા નજીક ટ્રાફિક સિગ્નલ પર જ ટ્રાફિક સિગ્નલ લાઇટ ઢંકાઈ જાય તે રીતે મોટું હોર્ડિંગ્સ લગાવી દેતાં દિવાળીપુરા રોડથી અકોટા દાંડિયાબજાર તથા ડાબી બાજુ પ્રોડક્ટિવીટી રોડ બાજુ જતું ટ્રાફિક સિગ્નલ કે તેની લાઇટ હોર્ડિંગ્સ અને ઝાડના પાંદડાઓથી ઢંકાઈ જતાં દેખાતી નથી જેના કારણે વાહનચાલકો ને વરસાદમાં, રાત્રે કે પછી દિવસે ટ્રાફિક સિગ્નલ થયું છે કે કેમ તે ખબર પડતી નથી જેના કારણે ઘણીવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઇ જાય છે, ઘણીવાર અકસ્માત પણ થાય છે અને વાહનચાલકો ને તંત્રના પાપે ટ્રાફિક મેમોનો દંડ ભરવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા સાથે જ આ હોર્ડિંગ્સ માટે તંત્રમાં નિયત ફી ભરી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે કે કેમ તેની તટસ્થ તપાસ કરવા તેમજ નિયમ વિરુદ્ધ હોર્ડિંગ્સ લગાવતા લોકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આ સમગ્ર બાબતે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મિડિયાના માધ્યમથી આ વાત આવી છે જે અંગેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઇપણ ટ્રાફિક પોઇન્ટ્સ કે ટ્રાફિક સિગ્નલ આડે આ રીતે હોર્ડિંગ્સ લગાવી શકાય નહીં પાલિકા તંત્ર આ બાબતે ઘટતું કરશે.