- અંતિમ વિધી માટે પરિવાર બીજા દિવસે કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહ લેવા આવતા મૃતદેહ ન મળતા આંધળે બહેરુ કુટાયા જેવો ઘાટ સર્જાયો
- ગોરવાના નિત્યાનંદ રૂપચંદ ગુપ્તાનો મૃતદેહ ભૂલથી મકરપુરાના પરિવારને સોંપાયો અને પરિવાર દ્વારા અંતિમ વિધી પણ કરી દેવાઇ
- સયાજી હોસ્પિટલના ખાડે ગયેલા તંત્રની બેદરકારીના કારણે પરિજનોએ આરએમઓ કચેરી બહાર હોબાળો મચાવ્યો, પોલીસ ફરિયાદ નોંધાવાઇ
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ દ્વારા એક પરિવારના સ્વજનનો મૃતદેહ અન્યને સોંપી દીધો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. જેને કારણે પોસ્ટ મોર્ટમ રૂમ બહાર મૃતકના સ્વજન અને પોલીસ સહિતના લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા સમજાવટ થકી બધુ થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર શહેરની ગોરવામાં આવેલા સહયોગ ગાર્ડન નજીકની યશોનંદન પાર્ક સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષીય નિત્યાનંદ રૂપચંદ ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી શ્વાસની તકલીફથી પીડાતા હતા. ગતરોજ છાતીમાં દુ:ખાવો થતા ગોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગે લાવ્યા હતા. જ્યાં પોસ્ટમોર્ટમ થયા બાદ અન્ય સગા-સંબંધીઓ બહારગામથી આવે તેની રાહ જાેવા બીજા દિવસે સવારે અંતિમ વિધિ કરવાનું નક્કી કર્યું હતું જેના પગલે તેમનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને તેની પાવતી પણ તેમના પરિવારજનોને આપવામાં આવી હતી.
જાેકે આજે નિત્યાનંદ ગુપ્તાના પરિવારજનો તેમનો મૃતદેહ લેવા સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા પોસ્ટ મોર્ટમ વિભાગના અધિકારીએ નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ નથી અને અન્ય કોઈ વ્યક્તિને સોંપી દેવામાં આવ્યો હોવાની જાણકારી આપતા પરિવારજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નિત્યાનંદ ગુપ્તાના પરિવારજનોએ જાણકારી મેળવતા મકરપુરા પોલીસ તરફથી એક મૃતદેહ આવ્યો હતો તેના પરિવારજનો ગઈકાલે મૃતદેહ લેવા આવ્યા ત્યારે તેઓને નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોએ પણ કોઈપણ જાતની તપાસ કર્યા વિના તેમના પરિવારના સભ્યનો મૃતદેહ સમજીને નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને સાથે લઈ જઈ અગ્નિસંસ્કાર કરી દીધા હતા.
નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહનો અગ્નિસંસ્કાર થઈ ગયો હતો જેથી પરિવારજનોએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી આક્ષેપો કર્યા હતા અને પોસ્ટમોર્ટમ વિભાગના અધિકારીઓની નિષ્કાળજી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.
સયાજી હોસ્પિટલમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી જે મૃતદેહ પોસ્ટમોટમ વિભાગમાં મૂકવામાં આવ્યો હતો તે પરિમલભાઈ ભટ્ટ નામના વ્યક્તિનો હતો અને તેઓના મૃતદેહને બદલે પરિમલ ભટ્ટના પરિવારજનોને નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હોવાની જાણકારી મળતા પોસ્ટમોટમ વિભાગની બેદરકારી બહાર આવી છે.