વિધવા હોવાની ખોટી માહિતી આપીને મહિલા સહિત ત્રિપુટીએ વેપારી પાસેથી રૂપિયા 75.60 લાખ પડાવ્યા

કોર્ટ કેસના ખર્ચ માટે રૂપિયા આપશો તો ડબલ નાણાં પરત આપીશું કહી છેતરપિંડી આચરી

MailVadodara.com - The-trio-including-the-woman,-extorted-Rs-75-60-lakh-from-the-businessman-by-giving-false-information-about-being-a-widow

- મહિલાને સાસરી પક્ષ તરફ હિસ્સાની મિલ્કત માટે કેસ ચાલતો હોવાથી રૂપિયાની જરૂર છે કહેતા વેપારીએ સગા-સંબંધીઓ પાસેથી રૂપિયા લઇ મહિલાને આપ્યા હતા

- વેપારીએ મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી લીધેલા પૈસા પરત ન કરી શકતા વેપારીએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો

વડોદરામાં વિધવા હોવાની ખોટી માહિતી આપીને મહિલા સહિત ત્રિપુટીએ વેપારી સાથે 75.60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી લીધેલા પૈસા પરત ન કરી શકતા વેપારીએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, સદનસીબે તેઓ બચી ગયા છે અને આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના સયાજીપુરા વિસ્તામાં રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા વેપારી કમલેશભાઇ બાબુભાઇ ગુપ્તા (ઉ.વ. 61)એ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી બીનાબેન દિપકભાઇ સોની અને સુરેશભાઈ કનુભાઇ ઠક્કર મારી પાસે આવ્યા હતા અને બીનાબેનના પતિ હયાત હોવા છતાં બીનાબેન મયુરભાઇ પટેલની વિધવા છે, એવી ખોટી ઓળખ આપી હતી.

મયુરભાઇ પટેલને સાસરી પક્ષ સામે કોર્ટ કેસ ચાલે છે અને કેસ અને મયુર પટેલની વિધવાનું પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કરવા માટે અને કોર્ટમાં દાગીના માટે ઇન્કમટેક્ષમાં નાણાં ભરવા માટે અને કોર્ટનો આખરી ચુકાદો આવવાનો હોવાથી કે, કેસ માટે બીનાબેનને રૂપિયાની જરૂર છે. તમે બીનાબેનને રૂપિયા આપશો તો કેસનો ચુકાદો આવ્યા પછી તમને ડબલ રકમ ચુકવી આપવામાં આવશે એવી ખોટી માહિતી જણાવી અને ખોટા કાગળો બતાવ્યા હતા. જોકે, મારી પાસે આટલી મોટી રકમ ન હોવાથી મેં મારા ઓળખીતા અને સંબંધીઓને મારી દુકાને બોલાવીને તેમની સાથે વાતચીત કરી હતી. તે વખતે મિટીંગમાં બીનાબેન, સુરેશભાઇ અને તેમના ઓળખીતા પ્રવિણભાઇ કનુભાઇ પંચાલ હાજર હતા. પ્રવિણભાઇ પંચાલે પોતે પીએફ ડીપાર્ટમેન્ટના મોટા ઓફિસર હોવાની ઓળખ આપી હતી અને જે લોકો રૂપિયા આપવા સહમત હતા, તે લોકો પણ હાજર હતા. 

જેમાં કહેવામાં આવ્યું હતું કે, બીનાબેનના સાસરી પક્ષ તરફથી તેમના હિસ્સાની મિલ્કત આશરે 50 કરોડ જેટલી રકમ છે. તેના માટે કોર્ટમાં કેસ ચાલે છે. જેના માટે બીનાબેનને રૂપિયાની જરૂર છે. બીનાબેનના દાગીના 13 નંગ હીરા, 11 નંગ સોનાના બિસ્કિટ અને અન્ય દાગીના છોડાવવાનો ખર્ચ સહિત ઇન્કમટેક્ષનો ખર્ચ થશે. જે ખર્ચ થશે તેના ડબલ રૂપિયા જે-તે પાર્ટીના ચુકવી દેવામાં આવશે. પીએફ ઓફિસર તરીકે ઓળખાણ આપનાર પ્રવિણ પંચાલે બધાને ડબલ રકમ ચુકવી આપવાની મૌખિક બાંહેધારી આપી હતી અને 1 જુલાઇ-2022થી 15 મહિના સુધી મારી, મારા મિત્રો અને મારા સગા-સંબંધીઓ પાસેથી ટુકડે-ટુકડે 75.60 લાખ રૂપિયા પૂર્વ આયોજિત કાવતરું રચીને પડાવ્યા હતા અને ત્યારબાદ પરત આપ્યા નથી અને ત્યારબાદ બધાના ફોન પણ બંધ આવે છે.

બીનાબેન પણ મયુરભાઇ પટેલની વિધવાની ખોટી ઓળખ આપી હતી. હકીકતમાં તેમનું સાચુ નામ બીનાબેન દિપકભાઇ સોની છે. લોકો પાસેથી લીધેલી આટલી મોટી રકમ હું પરત આપી શકુ તેમ ન હોવાથી મેં સુસાઇડ નોટ લખીને જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી મને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 9 મેના રોજ મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી મેં આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં આરોપી બીનાબેન દિપકભાઇ સોની (રહે. જીનલ એપાર્ટમેન્ટ, તરસાલી, વડોદરા), સુરેશભાઇ કનુભાઇ ઠક્કર (રહે. સાંઇકૃપા સોસાયટી, આનંદનગર, કારેલીબાગ, વડોદરા) અને પ્રવિણભાઇ સોમાભાઇ પંચાલ (રહે. તુળજાનગર સોસાસયટી, સોમા તળાવ, વડોદરા) સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments