કેનેડાના વિઝા અપાવવાના બહાને મહિલા સહિતની ત્રિપુટીએ યુવક પાસેથી રૂપિયા 16.46 લાખ પડાવ્યા

પરિશ્રમ પરખ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ મહારે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - The-trio-including-a-woman-extorted-Rs-16-46-lakh-from-a-young-man-on-the-pretext-of-getting-a-Canadian-visa

- 8 મહિના પછી પણ વિઝાની પ્રોસેસ પૂર્ણ ન કરી પાસપોર્ટ અને આપેલ રૂપિયા પરત ન આપતા યુવકે મહિલા સહિત ૩ લોકો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરામાં કેનેડાના વર્ક પરમિટ વિઝા કાઢી આપવાનું કહીને મહિલા સહિતની ત્રિપુટીએ ગોરવાના યુવક પાસેથી 16.46 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 8 મહિના થઈ ગયા હોવા છતાં પ્રોસેસ પૂર્ણ ન કરી સાથે યુવકનો પાસપોર્ટ પણ પરત ન આપતા સાથે આપેલ રૂપિયાની માંગણી કરવા છતાં પરત નહીં આપતા તેઓએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી પરિશ્રમ પરખ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ સોમાભાઈ મહારે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, મારે કેનેડા જવાનું હોવાથી જાહેરાત પરથી ભૂમિ પુરોહિત અને તેના ભાઈ અંકિત પુરોહિત (બન્ને રહે.એમ/104 ઇશાનીયા ફ્લોરેજા, ઉડેરા રોડ, વડોદરા શહેર)ની મુલાકાત થઈ હતી. બંને ભાઈ-બહેને મને જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ ખાતે આઈ સ્ક્વેર ઇન્ટરનેશનલ નામથી કંપની ચલાવે છે અને વિદેશના વિઝા અપાવવાનું કામ કરે છે.

મેં તેમને વર્ક પરમીટ વિઝા પર કેનેડા જવાનું હોવાની વાત કરતા બંને મને એલએમઆઈ લેટર સાથે જવાનો ખર્ચ રૂપિયા 23 લાખ થશે તેમ જણાવ્યું હતું. તમે 7 લાખ રૂપિયા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો તો કેનેડા જવા માટે વર્ક પરમીટ વિઝાની પ્રોસેસ શરૂ કરીએ. જેથી મને વિશ્વાસ આવી જતા મેં ટુકડે ટુકડે કરીને ભૂમિ પુરોહિતના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ તેઓએ બાયોમેટ્રિક માટે મને અમદાવાદ બોલાવ્યો હતો. ત્યારબાદ ભૂમિ પુરોહિતે સોહમ પ્રફુલ પટેલ સાથે પણ મુલાકાત કરાવી હતી. ત્રણેય જણાએ મળીને કેનેડાના વર્ક વિઝા માટેની પ્રોસીજર માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ મારો અસલ પાસપોર્ટ મેળવી લીધા બાદ અને કેનેડાના વર્ક વિઝાના બહાને રૂપિયા 16.46 લાખ પડાવી લીધા હતા.

મારી સંપુર્ણ પ્રોસીઝર છેલ્લા 8 માસથી પૂર્ણ ન કરી મારો પાસપોર્ટ પરત આપતા ન હતા. ત્રણે પાર્ટનરોએ પોતાની કંપની બંધ કરી દીધી હતી. અંકિત પુરોહિતનો સંપર્ક કરતા તેને જણાવ્યું હતું કે, તમારી પાસેથી કેનેડાના વર્ક વિઝા માટે લિધેલા નાણા મને ચુક્તે કરી આપશે, એવી નોટરી રૂબરૂ બાંહેધરી કરાર કરી આપ્યો હતો. જેમા તેઓએ જાન્યુઆરી મહિનામાં રૂપિયા 5 લાખ આપવાનું જણાવેલ હતું, પરંતુ આપ્યા નથી. આ મહિલા સહિતની ત્રિપુટીએ કેનેડાના વર્ક વિઝાના બહાને રૂપિયા 16.46 લાખ પડાવી લીધા બાદ પાસપોર્ટ પરત નહીં આપીને છેતરપિંડી આચારી હતી. જેને લઇ ગોરવા પોલીસે ત્રિપુટી સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments